////

AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાની કરાઈ વરણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીએ પણ પોતાની રીતે કમર કસી દીધી છે. જેના પગલે રાજ્યમાં AAPના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયાની વરણી કરવામાં આવી છે.

વર્ષ 2013માં રાજ્યની રાજનીતિમાં પગ મૂકનાર AAP કેજરીવાલના ચહેરાને આગળ કરીને દિલ્હીમાં શાસન કરી રહી છે. જો કે દિલ્હીની બહાર પંજાબ સિવાય અન્ય કોઈ રાજ્યમાં AAPની પક્કડ એટલી મજબૂત નથી. આથી જ 7 વર્ષ બાદ AAPએ રાજ્યમાં ફરી એકવાર સક્રિય થવા જઈ રહી છે. જે અંતર્ગત રાજકોટમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને યુથ આઈકોન ગોપાલ ઈટાલિયાને AAP ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યાં છે.

ગત મહિને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તારમાં અનેક સામાજિક આગેવાનો અને નાગરિકો AAPમાં જોડાયા હતા. આ તકે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, દેશની અંદર રાજનીતિ પરિવર્તન લાવવા માટે અમારી પાર્ટી AAP કેજરીવાલની આગેવાનીમાં નેતૃત્વ કરી રહી છે. દિલ્લી સરકારના સુશાસનથી પ્રભાવિત થઈને વિવિધ ક્ષેત્રે સામાજિક પ્રવૃત્તિ કરતા આગેવાનો AAPમાં જોડાઈ રહ્યા છે. આજ સૂચવે છે કે, અમારી પાર્ટી રાજનીતિ કરવા માટે નહીં, પરંતુ રાજનીતિ બદલવાના હેતુથી કામ કરતી પાર્ટી છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો વતની ગોપાલ ઈટાલિયા પોલિટીકલ સાયન્સમાં સ્નાતક કર્યું છે. ગોપાલ ઈટાલિયાએ પોતાને પોલીસ કૉન્સ્ટેબલ બતાવી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોન કરીને તેમની સાથેની વાતચીતનો ઓડિયો વાઈરલ કર્યો હતો. જે બાદ વિધાનસભા ગૃહ નજીક મીડિયાને સંબોધી રહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ પર જૂતુ ફેંકીને ચર્ચામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, બે વાર સરકારી નોકરી છોડીને પાટીદાર અનામત આંદોલનમાં સામેલ થયેલા અને હવે AAPના પ્રદેશ અધ્યક્ષ બનેલા ગોપાલ ઈટાલિયા રાજ્યમાં પાર્ટીને કેટલી મજબૂત કરશે તે તો આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published.