//

GTU દ્વારા ઈ-લેકચર્સ યોજીને કોરોના અંગે જાગૃત્તિનો પ્રચાર કરાયો

GTUના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા IEC અભિયાનમાં સંલગ્ન સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ જોડાય અને કોરોના અંગેની જાગૃત્તિનો પ્રચાર અને પ્રસાર થાય તે માટેનું બીડું ઝડપ્યું હતું. જેના ભાગરૂપે GTU સંલગ્ન 150થી વધારે કૉલેજોએ 300થી વધુ તજજ્ઞોના ઈ-લેક્ચર્સનું આયોજન કર્યું હતું. જેમાં 50,000થી વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતાં. આ અભિયાન અંતર્ગત GTUના દરેક વિદ્યાર્થી કોરોના વોરિયર્સ બનીને સમાજના દરેક જનસામાન્ય સુધી કોવિડ-19ની જાગૃત્તિ કેળવવા માટે કાર્યરત થયા છે.

જેમાં નિયમિત પણે માસ્ક પહેરવું, યોગ્ય અંતર જાળવવું, સ્વચ્છતા બાબતે સમયાંતરે હાથ સાફ કરવા, દરરોજ યોગાભ્યાસ કરવો, પૌષ્ટીક આહાર મેળવવો વગેરે જેવા મુદ્દાઓ પર તજજ્ઞો અને વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃત્તિ કેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

કોરોના સંક્રમણને કાબુમાં લાવવા માટે સરકાર પણ કોવિડ-19નો ફેલાવો અટકે તે હેતુસર તાત્કાલિક ધોરણે પગલાં લઈ રહી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોવીડ-19 અંગે લોકજાગૃતિ કેળવાય તે માટે ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન ઈન્ફોર્મેશન એજ્યુકેશન કૉમ્યુનિકેશન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં GTUના વિદ્યાર્થીઓ અને સંલગ્ન સંસ્થાના તમામ કર્મચારીઓ પણ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા આ અભિયાનમાં સહભાગી થઈને કોવિડ-19ની જાગૃત્તિ કેળવવા બાબતે કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી હતી.

આ અંગે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, GTU દ્વારા પેન્ડામિક સમયમાં અનેક રીતે સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના IEC અભિયાનમાં GTU દ્વારા વિશેષ પ્રમાણમાં લોક જાગૃત્તિ બાબતેના ઈ-લેક્ચર્સનું આયોજન કરીને આ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. તો GTUના કુલસચિવ ડૉ. કે. એન .ખેરે પણ સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોનું પાલન કરીને આ મહામારીથી સ્વસ્થ રહેવાની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.