////

બ્રિટનથી આવનારાઓ માટે રાજ્ય સરકારે બનાવી ગાઇડલાઇન, જાણો શું છે ખાસ

બ્રિટનમાં કોરોનાનો નવા સ્ટ્રેન જોવા મળ્યા બાદ હડકંચ મચી ગયો છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વચ્ચે ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ બાદ ગઈકાલે અમદાવાદ આવેલી બ્રિટનની છેલ્લી ફ્લાઈટમાં 5 મુસાફરો પોઝિટિવ નીકળ્યા હતાં. ત્યારે હવે ગુજરાત સરકારે આ મામલે કડક પગલા લેવાનું નક્કી કર્યું છે. આ તકે UKથી ભારત આવેલા મુસાફરો માટે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.

કોવિડ-19 વાયરસના નવા સ્ટ્રેન મામલે સતર્કતા દાખવવા રાજ્ય સરકાર દ્વારા તાકીદ કરાઈ છે. રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં સર્વેલન્સની કામગીરીનો આદેશ આપ્યો છે. છેલ્લા એક મહિનામાં UKથી આવેલા તમામ મુસાફરો પર નજર રાખવા તાકીદ કરાઈ છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ, જે પણ મુસાફરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેના સેમ્પલ પૂણેની લેબમાં મોકલવાના રહેશે. બ્રિટનના નવા સ્ટ્રેનનું સંક્રમણ જોવા મળે તો જુદા આઈસોલેશન વોર્ડમાં દર્દીને રાખવાનો આદેશ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, અંદાજે 4350 જેટલા મુસાફરો છેલ્લા એક મહિનામાં UKથી અમદાવાદમાં આવ્યા છે. મંગળવારે દેશના જુદા જુદા એરપોર્ટ પર 1500 જેટલા મુસાફરો બ્રિટનથી આવ્યા છે. ગઈકાલે ભારત આવેલા 1500માંથી 23 મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. UK થી 21 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર ક્રુ મેમ્બર સહિત 275 જેટલા મુસાફરો આવ્યા હતાં. અમદાવાદમાં તમામના RT-PCR ટેસ્ટ કરાતા 4 મુસાફરો કોરોના સંક્રમિત આવ્યા હતાં. જે મુસાફરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, તેઓને પણ 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈન રહેવું ફરજિયાત કરાયું છે. જો કે છેલ્લા 1 મહિનામાં UKથી ભારત 50 હજારથી વધુ મુસાફરો આવી ચૂક્યા છે. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં 16,281 અને મુંબઈમાં 8,748 મુસાફરો બ્રિટનથી ભારતમાં આવ્યા છે. ત્યારે હવે ભારતે પણ નવા સ્ટ્રેન મામલે ગંભીરતાથી પગલા લેવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર તરફથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું કે, બ્રિટનમાં હાલની સ્થિતિને જોતા ભારત સરકારે નિર્ણય લીધો છે કે 31 ડિસેમ્બર 2020 સુધી બ્રિટનથી ભારત આવનારી તમામ ફ્લાઇટને સસ્પેન્ડ કરી દીધી છે. આ પ્રતિબંધ આજે રાત્રે 12 કલાકથી શરૂ થયો છે. જે 31 ડિસેમ્બર મધ્યરાત્રી સુધી યશાવત રહેશે.

બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન VUI-202012/01 મળ્યો છે, ત્યારબાદ વિજ્ઞાન જગતમાં હલચલ તેજ છે. બ્રિટને પોતાને ત્યાં નિયમો કડક કરી દીધા છે. જ્યારે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ સહિત યૂરોપના ઘણા દેશોએ યૂકેની ફ્લાઇટ પર બેન લગાવી દીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોરોનાના નવા સ્ટ્રેન પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.