////

ગુજરાત ભાજપની ચિંતન બેઠકમાં આગામી ચૂંટણીની રણનીતિ પર થઈ રહ્યું છે મનોમંથન

કોરોનાના વધતા સંક્રમણે પગલે 2 વખત રદ્દ થયેલી પ્રદેશ ભાજપની ચિંતન બેઠક આખરે ગઈકાલે શનિવારથી શરૂ થઇ હતી. ત્યારે આજે બીજા દિવસે પણ બેઠક ચાલુ રહી હતી. આ ચિંતન બેઠક પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાઈ હતી. ત્યારે આ ચિંતન બેઠકનો મુખ્ય એજન્ડા આગામી દિવસોમાં રાજ્યમાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમ જ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની બેઠક પણ રહી છે. જેમાં પ્રદેશ ભાજપ કંઈ રીતની રણનીતિ સાથે મેદાને ઉતરવું તે અંગે મનોમંથન થઈ રહ્યું છે.

આ ચિંતન બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાપ્રધાન તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપાના કોર ગ્રુપના સભ્યો સામાન્ય રીતે અપેક્ષિત હોય છે. જો કે આ ચિંતન બેઠકમાં રાજ્યમાં યોજાયેલી 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ઇન્ચાર્જને પણ હાજર રાખવામાં આવ્યા છે.

આ અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે, જે વિધાનસભાની પેટાચૂંટણીમાં એક નેતા સંગઠનનો અને એક નેતા સરકારનો એમ સરકાર અને સંગઠનના સમન્વય સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેમાં પણ ખાસ કરી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પેજ પ્રમુખવાળી પદ્ધતિનો ચુસ્તપણે અમલ કરી જીત મેળવી હતી. એટલે કે, આગામી દિવસોમાં યોજાનાર 6 મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીએ વિધાનસભાની પેટાચૂંટણીની બ્લુ પ્રિન્ટના આધારે લડવામાં આવશે.

આ ઉપરાંત બેઠકમાં પ્રજાલક્ષી, સંગઠનલક્ષી, ચુંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા ઉપરાંત ભાજપ માટે પડકારરૂપ કૃષિ સુધારા બિલ સહિતના મુદ્દાઓને પહોંચી વળવા માટેના ઉકેલ અને ઉપાયો અંગે પણ વિચારણા હાથ ધરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.