///

દેશમાં કુલ રીન્યુએબલ ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતનું 13 % યોગદાન : CM રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારત સરકારના ન્યૂ એન્ડ રીન્યુએબલ એનર્જી મંત્રાલય આયોજીત રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થયા હતા. ત્યારે સીએમ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશમાં કુલ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત 13 ટકા જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યની કુલ ૩૦ ગીગાવોટ ક્ષમતામાં રીન્યુએબલ એનર્જીનો 37 ટકા ફાળો એટલે કે 11 ગીગાવોટ ઉત્પાદન છે. દેશમાં પુન:પ્રાપ્ત ઊર્જાની વૃદ્ધિ અને વિકાસ માટે કાર્યશીલ રહેલા આ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલયના પરિણામદાયી પ્રયાસોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સતત માર્ગદર્શન મળતું રહે છે તેની સરાહના કરી હતી. દેશની રીન્યુએબલ એનર્જી કેપેસિટી 89,230 મેગાવોટ છે. તેની સામે ગુજરાતે 11,264 મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપેલું છે. ગુજરાતમાં રીન્યુએબલ એનર્જી સેકટર માત્ર ઊર્જા ઉત્પાદનના વિકલ્પના રૂપમાં નહિ, પરંતુ રોજગારી સર્જન માટે પણ એક મોટા સેકટર તરીકે ઊભરી આવ્યું છે.

આ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત રેસિડેન્સિયલરૂફટોપ યોજના ‘સૂર્ય ગુજરાત’નો 65 હજાર લાભાર્થીઓને આપીને 190 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. ગુજરાત હંમેશા પડકારોના સમાધાનથી પ્રગતિનો પથ કંડારનારૂં રાજ્ય રહ્યું છે. રિન્યુએબલ એનર્જીના ઉપયોગમાં પણ જનભાગીદારી જોડવા સાથે સરળ નીતિઓથી આ એનર્જીને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ ઉત્પાદન એકમોને પણ પ્રોત્સાહન આપીને બંન્ને માટે લાભકર્તા સ્થિતિ ઊભી કરી છે. વર્ષ 2010માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવાની પહેલ કરી ત્યારે સૌ માટે આ એક આશ્ચર્ય હતું. આ સફળતાને પગલે હવે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં પાંચ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે એમ પણ મુખ્યપ્રધાનએ જણાવ્યું હતું.

સાથે જ સીએમ રૂપાણીએ વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે, જે સૌર ઊર્જાની શકિતનો અહેવાલ કરાવી શકે તેમ છે તેનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં ગુજરાતને આ ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપનારા રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યકત કરી હતી.

આ પ્રસંગે ઊર્જા પ્રધાન સૌરભભાઇ પટેલ, રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ઊર્જાના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર તેમજ ઊર્જા વિકાસ નિગમના એમ.ડી. શાહમીના હૂસૈન વગેરે મુખ્યપ્રધા સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.