///

ગુજરાત દિપોત્સવી અંક 2076નું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ વિમોચન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત દિપોત્સવી અંક 2076નું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં શબ્દ અને સાહિત્યના સથવારે દિપોત્સવીની મંગલ કામનાઓ જ્ઞાનના પ્રકાશને વધુ પ્રજ્જવલિત કરશે. નવા વર્ષે નવા જોશ, અને હોશ સાથે કોરોનાની મહામારી સામે જીવનના ઉત્કર્ષના દ્વાર ખોલીને આપણે સૌએ આગળ વધવાનું છે. દિપાવલીનું પર્વ જ્ઞાનના પ્રકાશ અને વિકાસના સમન્વયનો અદકેરો અવસર છે. સોશિયસલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનિટાઈઝેશન સાથે આપણે સૌ ગુજરાતી બાંધવોએ કોરોનાને હરાવી, જ્ઞાનના પ્રકાશની જ્યોત પ્રગટાવીને દેશ, રાજ્ય અને સમાજને ઉજળા કરવાનો સાચા હૃદયથી પ્રયાસ કરીએ તેવુ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સર્જકોનું સાહિત્યસર્જન સંકલિત કરીને દિપોત્સવી અંક પ્રસ્તુત કરવા બદલ રાજ્યના માહિતી ખાતાના તમામ કર્મયોગી મિત્રોને મુખ્યપ્રધાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં હતાં. ગુજરાત સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના સામે મક્કમ મુકાબલો કરી રહ્યું છે ત્યારે સાહિત્યની દીપજ્યોત ગુજરાતી બાંધવોને દિપોત્સવીના પર્વમાં વધુ ઉત્સાહ અને ઉમંગ પૂરો પાડશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, આ વર્ષે કોરોના મહામારીના કારણે આપણા સૌની કપરી કસોટી થઈ છે. પરંતુ રાજ્ય સરકારની પ્રબળ નિર્ણયશક્તિ, ગુજરાતી બાંધવોની કોઠાસૂઝ તેમજ કર્મયોગને વરેલા વહિવટીતંત્રના સુયોગ્ય સામંજસ્યથી આ કપરા સમયમાં પણ વિકાસના દરેક ક્ષેત્રમાં આપણું ગુજરાત આગળ ધપતું રહ્યું છે. કોરોનાનો પ્રત્યેક ગુજરાતી બાંધવોએ સરકાર સાથે ખભેખભા મીલાવીને મજબૂત મુકાબલો કર્યો છે.

આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક માહિતી નિયામક સર્વ અરવિંદભાઈ પટેલ, પુલકભાઈ ત્રિવેદી, નાયબ માહિતી નિયામક જગદીશ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.