///

હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે 2 ડિસેમ્બર સુધી ગુજરાત બહાર જવાની આપી મંજૂરી

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા દેવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે આંશિક રીતે માન્ય રાખી લીધી છે. જેમાં હાઇકોર્ટે 11મી નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી હાર્દિકને ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે.

આ અંગે રાજ્ય સરકાર તરફથી રજૂ કરેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલને કોર્ટ માટે માન નથી અને સુનાવણી દરમિયાન ગેરહાજર રહે છે. પોલીસ અરેસ્ટ વોરન્ટની બજવણી કરવા ગઇ ત્યારે પણ હાર્દિક ઘરે મળ્યો નહીં અને સરનામા પર કોઇ અન્ય વ્યક્તિ પાંચ મહિનાથી રહેતા હોવાનુ પોલીસને જાણવા મળ્યું હતું. હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સાથે જ તેણે રાજદ્રોહ કેસની જામીનની શરતમાં છૂટ મેળવવા માટે પણ અરજી દાખલ કરી હતી.

હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજુઆત કરી છે કે, તેમને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવા દેવાની મંજૂરી આપવામાં આવે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેની પાર્ટીના પ્રચાર માટે હાર્દિક પટેલ ગુજરાત બહાર જવા માંગે છે. તેમન તેની સામે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણા કેસ પેન્ડિંગ છે અને તેના માટે વકીલોનું માર્ગદશન જરૂરી હોવાથી અવાર-નવાર દિલ્હી જવાની જરૂર પડે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિકની ગુજરાત બહાર જવા દેવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ સામે લાદવામાં આવેલા રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિકને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજુર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.