કચ્છમાં આવેલા મુંદ્રા પોર્ટમાંથી 1.44 કરોડ રૂપિયાની 25,110 કિલોગ્રામ પિસ્તા લઈને ડિલિવરી માટે મુંબઈ જઈ રહેલા ટ્રકમાંથી પિસ્તાના જથ્થાની લૂંટ અને ચોરીના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજુર કર્યા છે.
આ મામલે તપાસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામાં પ્રમાણે બંને આરોપી મયુરસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાએ મુંદ્રાથી 25,110 કિલોગ્રામ પિસ્તા લઈને મુંબઈ જઈ રહેલા ટ્રક ડ્રાઈવરનું બંદૂકની નોક પર કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરાયા બાદ ટ્રકમાંથી પિસ્તાનો જથ્થો કાઢી તેમની ગાડીમાં ભરી પિસ્તા અમદાવાદ મોકલવાનો ગુનો આચાર્યો છે. અપહરણનો અને પિસ્તાની હેરાફેરીનો બનાવ અંજારમાં બન્યો હતો. આ કેસના ફરિયાદી અપહરણ થનાર મૂળ ટ્રક ડ્રાઇવર – લવકુશ નિશાદ છે કે જે મુંદ્રાથી પિસ્તા લઈને મુંબઈ જઇ રહ્યા હતા.
તો અરજદાર વતી એડવોકેટ ઉત્કર્ષ દવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, બંને અરજદારોના નામ FIRમાં સામેલ કરાયા નથી. સહ આરોપીઓના નિવેદનના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ ડ્રાઇવર છે અને તેમણે નિર્દેશ પ્રમાણે ચોરાયેલા માલની અમદાવાદ ડિલિવરી કરી છે, જેથી તેમને જામીન આપવામાં આવે.
આ મામલે ગુજરાત હાઈકોર્ટે બંને આરોપીઓના જામીન મંજુર કરતા નોંધ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તેમને જામીન પર મુકત કરી શકાય છે. આરોપીઓને ટ્રાયલ કોર્ટ સમક્ષ 10000 રૂપિયા પર્સનલ બોન્ડ તરીકે જમા કરાવવાનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. અગાઉ અંજારની કોર્ટે કેસમાં તપાસ મહત્વપૂર્ણ તબક્કા પર હોઈ અને આરોપીઓ પાસેથી પિસ્તાના જથ્થા મુદ્દે કોઈ બિલ મળી ન આવતા કોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા. ત્યારબાદ જામીન મેળવવા માટે આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.