////

ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી મામલે લોકડાઉન અંગે થઇ આ મોટી વાત

ગુજરાત હાઇકોર્ટે રાજ્યની કોરોના સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે મંગળવારે સુનાવણી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. આ સાથે જ હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ શાલીન મહેતાએ કહ્યું કે, આવનારા 15 દિવસમાં જ સંક્રમણની ચેઇન તોડવા માટે સરકારે લોકડાઉન લગાવવુ જોઈએ.

એડવોકેટ એસોસિયેશનના વકીલ શાલીન મહેતાએ કોર્ટમાં દલીલ કરી કે, આવનારા 15 દિવસમાં જ સંક્રમણની ચેઇન તોડી શકાય છે. આ માટે સરકારે લોકડાઉન લગાવવુ જોઈએ. નબળા વર્ગના લોકો માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. આવનારા દિવસોમાં લગ્નો પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ગંભીર દર્દીઓની હાલત ખરાબ છે. હોસ્પિટલો કહી રહી છે કે, ઓક્સિજન નહિ મળે, દાખલ થવું હોય તો થાવ. હોસ્પિટલમાં સફાઈ પણ કરાતી નથી. બોપોરનું જમવાનું સાંજે 4 વાગ્યે મળે છે. ધન્વંતરી રથની કામગીરી માટે જાહેરાતો થઈ, પણ સંતોષકારક કામગીરી નથી થઈ.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાની સુનાવણીમાં પણ એડકવોકેટ શાલીન મહેતા લોકડાઉનની ગુજરાતમાં જરૂરિયાત હોવાની રજૂઆત કરી ચૂક્યા છે. આ પહેલાની સુનાવણીમાં એડવોકેટ એસોસિયેશનના વકીલ શાલીન મહેતાની કોર્ટમાં મહત્વની રજૂઆત કરતા કહ્યું હતું કે, કોરોનાની ચેન તોડવા એક જ ઉપાય લોકડાઉન છે. જર્મની, સિંગાપુર, લંડનમાં પણ લોકડાઉન બાદ કેસ ઘટ્યા છે. લોકોની ગતિવિધિઓ બહાર નીકળવાની ચાલી છે. જેથી લોકડાઉન જરૂરી છે. કોરોનાની ચેન તોડવા 7 થી 8 દિવસનું લોકડાઉન એક જ ઉપાય છે.

તો હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ અમિત પંચાલે રજૂઆત કરી કે, ધન્વંતરી હોસ્પિટલમાં 900 બેડની હોસ્પિટલ છે અને તેમાથી માત્ર 641 બેડ જ કાર્યરત છે. દર્દીઓને સારસંભાળ રાખવાવાળું અહીં કોઈ જ નથી. લોકોમાં ગેરસમજ ઉત્પન્ન થાય છે કે ધનવન્તરી હોસ્પિટલ 900 બેડની છે પરંતુ તેવું નથી. જેથી લોકો હેરાન થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.