////

આજથી ત્રણ દિવસ માટે ગુજરાત હાઇકોર્ટ રહેશે બંધ, સેનિટાઇઝેશનનું કામ હાથ ધરાશે

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે શનિવારથી ત્રણ દિવસ માટે કોર્ટનું કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હાઇકોર્ટ સંકુલને સેનિટાઇઝેશન માટે 12મીથી 14મી ડિસેમ્બર સુધી સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન કોર્ટની તમામ જ્યુડિશીયલ અને વહીવટી કામગીરી મોકૂફ રહેશે. 15મીથી કોર્ટ રાબેતા મુજબ કાર્યરત થશે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે હાઇકોર્ટના સીટિંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોના સંક્રમણથી નિધન થયું છે.

ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોનાના વધી રહેલા કેસના પગલે હાઇકોર્ટ 12થી 14મી ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઇકોર્ટનું સમગ્ર સંકુલ, પોસ્ટ ઓફિસ, બેન્ક, જ્યુડિશીયલ એકેડમી સહિતની જગ્યાઓ સેનિટાઇઝ કરવામાં આવશે.

15મી સુધી હાઇકોર્ટનું ફિઝીકલ ફાઇલિંગ સેન્ટર પણ બંધ રહેશે, જો કે ઇ-ફાઇલિંગ પોર્ટલ આ સમયગાળા દરમિયાન કાર્યરત રહેશે. નવી ફાઇલ થયેલી અરજીઓ પર 15મીથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત 14મીના રોજ લિસ્ટ થયેલા કેસ 15મીના લિસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1223 કેસ નોંધાયા છે. જેની સામે 1403 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ ઉપરાંત 13 દર્દીઓના મોત નિપજ્યાં છે. જેના પગલે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4148 પર પહોંચ્યોં છે. આ વચ્ચે રાજ્યમાં કોરોનાના કુલ 2,25,304 કેસ નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,627 છે. આજે રાજ્યમાં કુલ 60,523 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.