/////

ચીનના ઝોંગ શાનશાનને પાછળ છોડી ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ બન્યા

ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એશિયાના નંબર ટુ ધનવાન બની ગયા છે. હવે મુકેશ અંબાણીને પાછળ મૂકીને નંબર વન બનવા માટે તેમને માત્ર કરોડ રૂપિયા ખૂટે છે. બુધવારથી ગુરૂવારના એક દિવસમાં જ અદાણીની સંપત્તિમાં 1.11 અબજ ડોલરનો વધારો થતાં તેમણે ચીનના અબજપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડી દીધા છે.

બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડક્સ મુજબ ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે જ એટલે કે 1 જાન્યુઆરીથી 20 મે સુધીમાં જ 32.7 અબજ ડોલર (આશરે 2.38 લાખ કરોડ રૂપિયા)નો વધારો થયો છે.

ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 67.6 અબજ અમેરિકી ડોલર (આશરે 4.93 લાખ કરોડ રૂપિયા) છે. તેથી અંદાજો લગાવી શકાય કે, લગભગ અડધી સંપત્તિ અદાણીએ આ 6 મહિનામાં જ અર્જિત કરી છે. ટુંકમાં કહેવાનું એ કે સમગ્ર વિશ્વનો કોરોના નડી ગયો અને અદાણી ગ્રુપને ફળી ગયો.

રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણી જો કે હજુય એશિયાના નંબર વન ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિ 76.3 અબજ ડોલર છે. પરંતુ ગત એક દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિ 22 કરોડ રૂપિયા ઘટી ગઇ. જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.11 અબજ ડોલરનો વધારો થઇ ગયો. પરિણામે બંનેની સંપત્તિ વચ્ચેનું અંતર માત્ર 8.7 અબજ ડોલર (63,530 કરોડ રૂપિયા)નું રહી ગયું.

શેરબજારમાં અદાણી ગ્રુપના શેર્સમાં હરણફાળ તેજીને જોતાં હવે ગૌતમ અદાણીના એશિયન નંબર ધનકુબેર બનવાના દિવસો ગણાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઇજીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશન જેવી અદાણી ગ્રુપની કંપનીઓના શેર્સમાં તેજી જોવા મળી રહી છે. જેનો સીધો લાભ ગૌતમ અદાણીને થઇ રહ્યો છે.

ગત વર્ષે જ અદાણી ટોટલ ગેસના શેરમાં આશરે 1145 ટકાનો વધારો નોંધાયો. અદાણી એન્ટરપ્રાઇજીસમાં 827 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 617 ટકાનો ઉછાળો જોવા મળ્યો. જેના કારણે અદાણીની સંપત્તિ ઝડપથી વધી રહી છે. હાલમાં બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણી વિશ્વના ટોપના ધનવાનોની યાદીમાં 13મા સ્થાને જ્યારે ગૌતમ અદાણી 14મા સ્થાને છે.

Leave a Reply

Your email address will not be published.