ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે જાણીતા એવા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ત્યારે આજે તેમની તબિયત બગડી હોવાની માહિતી મળી હતી. ઉપરાંત તેમના પુત્ર અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ પિતાનો ફોટો ટ્વીટર પર પોસ્ટ કરી તેમના ઝડપથી સાજા થવા અંગે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. જોકે નરેશ કનોડિયા હાલ ઓક્સિજન પર હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારે નરેશ કનોડિયાએ ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ’ ગીત ગાઈને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં તેમણે વેલીને આવ્યા ફૂલ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ જોડે રહેજો રાજ, હિરણને કાંઠે, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, મેરુ માલણ, પરદેશી મણિયારો, વણઝારી વાવ, પારસ પદમણી, કાળજાનો કટકો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક હિટ ગુજરાતી ફિલ્મો આપી છે.