///

ઈથોપિયામાં નરસંહાર: બંદૂકધારીઓએ લોકો પર આડેધડ કર્યું ફાયરિંગ, 100થી વધુના મોત

ઈથોપિયામાં આવેલા તીગરય વિસ્તારમાં તણાવ વધ્યા બાદ બંદૂકધારીઓએ 100થી વધુ લોકોની હત્યા કરી નાખી છે. જેમાં મેતેકેલ ઝોનના પશ્ચિમ બેનિશાંગુલ-ગુમુઝ વિસ્તારમાં થયેલા આ નરસંહાર અંગે જાણકારી આપતા ઈથોપિયાના માનવાધિકાર આયોગે કહ્યું કે, દેશના પશ્ચિમ ભાગમાં બુધવારે થયેલા આ નરસંહારમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, બુધવારે વહેલી સવારે બંદૂકધારીઓએ બુલે કાઉન્ટીના બેકોજી ગામ પર હુમલો કર્યો અને લોકો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન અનેક લોકોએ ગામથી ભાગી જઈને પોતાના જીવ બચાવ્યા હતા. અહીં અલગ અલગ જાતિના લોકો રહે છે. જ્યારે આ હુમલો થયો ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. આ હુમલો એવા સમયે થયો કે જ્યારે એક દિવસ પહેલા જ વડાપ્રધાન આબી અહેમદે વિસ્તારની મુલાકાત લીધી હતી અને હાલમાં જ હુમલા અંગે દોષિતોને સજા આપવાની વાત કરી હતી.

ઈથોપિયામાં નસ્લીય હિંસા આબી માટે મોટો પડકાર છે, કારણ કે તેઓ 80થી વધુ જાતીય સમૂહોવાળા દેશમાં એક્તા વધારવાની વાતો કરે છે. વડાપ્રધાન આબી અહેમદ વારંવાર એ ભરોસો અપાવે છે કે, ઈથોપિયા ગૃહ યુદ્ધ તરફ જઈ રહ્યું નથી. દેશના સૌથી ઓછી ઉંમરના નેતા 44 વર્ષના આબી અહેમદ લોકતાંત્રિક સુધારાઓની વાતો કરે છે, તેમને ગત વર્ષે નોબેલ પીસ પ્રાઈઝ પણ મળી ચૂક્યો છે.

આ ઘટના અંગે માનવાધિકાર આયોગના જણાવ્યાં મુજબ એવી આશંકા છે કે, હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 200 સુધી હોઈ શકે છે. ગુમુઝ સમુદાયના લોકોએ અમહારા, ઓરોમો અને શિનાસા જાતિના લોકો પર હુમલો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.