///

Farmers Protest: હનુમાન બેનીવાલ 2 લાખ ખેડૂતો સાથે કરશે દિલ્હી કૂચ

કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલું ખેડૂત પ્રદર્શન આજે રવિવારે 25મા દિવસે પણ યથાવત છે અને દિલ્હીની સીમાઓ પર બેઠેલા ખેડૂતો સતત કાયદાને રદ કરવાની માગ કરી રહ્યા છે. તે દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) ખેડૂતોને કાયદાના ફાયદા સમજાવવા માટે લાગી રહી છે. પરંતુ પાર્ટીની મુશ્કેલી તેના જ સહયોગી દળ વધારી રહ્યા છે. હવે એનડીએ (NDA)ના સહયોગી હનુમાન બેનીવાલે મોરચો ખોલ્યો છે.

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરતાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) પ્રમુખ હનુમાન બેનીવાલે શનિવારે સંસદની ત્રણ સમિતિઓમાંથી રાજીનામું આપી દીધું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મોકલેલા પત્રમાં હનુમાન બેનીવાલએ ઉદ્યોગ સ્થાયી સમિતિ, અરજી સમિતિ અને પેટ્રોલિયમ તથા ગેસ મંત્રાલયની પરામર્શ સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે.

સંસદીય સમિતિઓમાંથી રાજીનામું આપનાર હનુમાન બેનીવાલએ કહ્યું કે તે 26 ડિસેમ્બરના રોજ 2 લાખ સમર્થકો સાથે રાજસ્થાનથી દિલ્હી માટે રવાના થશે, આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે 26 ડિસેમ્બરના રોજ એનડીએમાં રહેવા અથવા સાથ છોડવા અંગે નિર્ણય કરશે. રાજસ્થાનના નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે તે ખેડૂતો માટે દરેક કુરબાની આપવા માટે તૈયાર છે.

હનુમાન બેનીવાલે કહ્યું કે તેમણે સભ્યના રૂપમાં જનહિત સાથે જોડાયેલા અનેક મુદ્દા ઉઠાવ્યા, પરંતુ તેના પર કોઇ કાર્યવાહી થઇ નથી. એટલા માટે તે ખેડૂત આંદોલનના સમર્થનમાં અને લોકહિતના મુદ્દાને લઇને સંસદની ત્રણ સમિતિઓના સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે. જયપુરમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ની પ્રદેશ કાર્યકારિણીની બેઠક બાદ હનુમાન બેનીવાલે આ જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.