///

હાર્દિક પટેલ રાજસ્થાનના પ્રવાસે, અહીં ભાજપને લીધુ આડેહાથ

રાજ્ય પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હાલ રાજસ્થાનના પ્રવાસે છે. જ્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

અહીં હાર્દિક પટેલે ભાજપને આડેહાથ લીધું હતું. નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ગયા બાદ ગુજરાતમાં કોંગ્રેસ સત્તા કેમ નથી બનાવી શકીના પ્રશ્નનો જવાબ આપતા હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ભાજપના રાજમાં ગુંડાગીરીની રાજનીતિ ચાલી રહી છે. ભાજપ પૈસાના જોરે રાજ કરી રહી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારુ રહ્યું હતું. માત્ર 10થી 12 બેઠકો ઓછી પડવાના કારણે કોંગ્રેસ સરકાર બનાવી શકી નહતી.

ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો વિશ્વાસ હાર્દિક પટેલે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તે સાથે જ સમગ્ર દેશમાં સંદેશો જશે કે, PM મોદી ધર્મનું રાજકારણ રમે છે. દેશમાં આરોગ્ય, શિક્ષણ અને રોજગારી મુદ્દે રાજનીતિ થવી જોઈએ, જેના પર કોંગ્રેસ કાયમ કાર્ય કરે છે. ભાજપની સરકાર ખેડૂતો અને ગરીબોને અન્યાય કરે છે.

તો હાર્દિક પટેલે યુવાઓને રાજકારણમાં આગળ આવવા માટે આહવાન કર્યું હતું. સ્વચ્છ રાજનીતિ માટે યુવાઓએ આગળ આવવું જોઈએ. ટૂંક સમયમાં રાજસ્થાનમાં પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ગ્રામિણ વિસ્તારના યુવાનો પાસે રાજકારણમાં આગળ આવવાની સારી તક છે. રાજસ્થાન પહોંચેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે રામદેવરા મંદિરમાં બાબા રામદેવની સમાધીના દર્શન કર્યા હતા. અહીં પૂજા કરીને તેમણે દેશમાં સુખ-શાંતિ સ્થપાય અને કોરોનાથી જલ્દી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published.