/

હાર્દિક પટેલે અજમેર શરીફ દરગાહની લીધી મુલાકાત

અજમેર ખાતે હાર્દિક પટેલે શનિવારે સૂફી સંત ખ્વાજા મોઇનુઉદ્દીન ચિસ્તી – ગરીબ નવાઝની દરગાહ પર ઉપસ્થિત રહીને ચાદર પેશ કરી હતી. હાર્દિક પટેલે રાજસ્થાન વકફ બોર્ડના ચેરમેન ખાનું ખાન અને અન્ય લોકો સાથે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી હતી.

શનિવારના દિવસે સવારે 10.30 વાગ્યે હાર્દિક પટેલ અજમેર દરગાહ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ખાદીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક અરજમેર દરગાહ પરિસરમાં એક કલાક જેટલો સમય રોકાયા હતા. તો સાથે જ અજમેર શરીફ દરગાહના ખાદીમ સૈયદ સુહેલ અહેમદ નિયાઝીએ કે જે દરગાહમાં હાર્દિક પટેલની સાથે ઉપસ્થિત રહ્યા હતા. અજમેર ખાતે હાર્દિક પટેલે દેશ અને ગુજરાતના તમામ નાગરિકોની સલામતી અને કોરોનામાંથી મુક્તિની પ્રાર્થના કરી હતી. સાથે જ મન્નતનો ધાગો પણ હાર્દિક પટેલે બાંધ્યો હતો.

નોંધનીય છે કે, હાર્દિક પટેલે અજમેર શરીફ દરગાહની બીજીવાર મુલાકાત કરી છે. આ પહેલા વર્ષ 2018માં પણ હાર્દિક પટેલે અજમેર શરીફ દરગાહમાં હાજરી આપી હતી. ગુજરાત હાઈકોર્ટે ચાલુ નવેમ્બર મહિનાની શરૂઆતમાં હાર્દિક પટેલને 11મી નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે 17 દિવસ ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરી હતી કે, તેમને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવા મંજૂરી આપવામાં આવે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીના પ્રચાર માટે હાર્દિક પટેલ ગુજરાત બહાર જવા માંગે છે. વર્ષ 2015ના રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન મંજુર કરતી વખતે અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિકને ગુજરાત ન છોડવાની શરતે જામીન આપ્યા હતાં. ત્યારબાદ હાર્દિક પટેલે આ શરતમાં રાહત મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.