/

કોરોનાને લઇ હાર્દિકનો ગૃહમંત્રીને પત્ર, રાજ્યના પોલીસ જવાનો અને તેના પરિવારની કરી ચિંતા

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે કોરોનાને લઇ ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે, હાલમાં આપણો દેશ કોરોના વાયરસનાં ત્રાસદીમાંથી પસાર થઇ રહેલો છે અને સમગ્ર દેશમાં લોકડાઉન ચાલુ છે. આવા સમયમાં લોકો સરકારી સૂચનાઓનું પાલન કરે તેમજ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે તે માટે હથીયારી અને બિનહથીયારી પોલીસ જવાનો, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ, એસઆરપી, ગૃહરક્ષક દળ સહિતના જવાનો દિવસરાત પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ટ્રાફિક બ્રિગેડ, ગૃહરક્ષક દળ અને હોમગાર્ડ જવાનો સ્થાનિક રહેવાસી જ હોય છે પરંતુ પોલીસ જવાનો અને એસઆરપી જવાનો પોતાના વતનથી દુરના જીલ્લામાં ફરજ બજાવતા હોય છે. આટલી મુશ્કેલીનાં સમયમાં પણ તેઓ પરિવારથી દુર હોય ત્યારે તેમના પરિવારના બાળકો, વૃદ્ધો, માતાપિતાની જવાબદારી સરકારની બને છે. વધુમાં હાર્દિકે કે કહ્યું કે ખાસ તો ગુજરાતના અલગ અલગ ગામડાઓ અને નાના શહેરોમાંથી પોલીસમાં ભરતી થયેલા અને હાલમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ફરજ બજાવતા મહિલા તેમજ પુરુષ પોલીસ કોન્સ્ટેબલ લેવલ ઉપર ઘણી જ તકલીફો જોવા મળે છે.

મોટા શહેરોમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ થી લઈને પીએસઆઈ સુધીના સ્ટાફ એકલા રહેતા હોવાના કારણે તેમને જમવાની ઘણી જ સમસ્યા છે. તેમજ એકલી રહીને નોકરી કરતી મહિલા કર્મચારીઓનો પરિવાર ચિંતા કરે છે. મહિલા પોલીસ સગર્ભા હોય, નાનું બાળક હોય, નવપરણિત હોય કે અન્ય સમસ્યા હોય તેવા સંજોગમાં રાહત મળવી જરૂરી છે. ત્યારે તમામ પોલીસ કર્મચારીઓનાં માંબાપ અને પરિવારની ચિંતા હળવી થાય તેમજ પોતાના પતિ/પત્ની/બાળકોથી દુર રહીને શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનો જુસ્સો વધે એ માટે આપની કક્ષાએથી પોલીસનું મનોબળ વધે એવા પ્રયત્નો કરવા જરૂરી છે.

પોલીસનું સમયસર જમવાનું તેમજ તેમની સલામતી અંગે પણ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. વધુમાં હાર્દિકે કહ્યું કે, હાલમાં ૨૪ કલાક ડ્યુટી કરીને પોલીસ શારીરિક તેમજ માનસિક રીતે થાકી જવાથી તણાવ ઉભો થઇ રહ્યો છે માટે પોલીસને પ્રોત્સાહન આપવાની જરૂર છે. સામાન્ય દિવસોમાં પોલીસની ઘણીબધી કામગીરીથી મને અસંતોષ હોવા છતાં પણ, જ્યારે આપણો દેશ મુશ્કેલીમાં હોય ત્યારે પોતાની ફરજ બજાવતા સૌ કર્મચારીઓની ચિંતા વ્યક્ત કરવી તે મારી, તમારી અને સૌની ફરજ બને છે.

Leave a Reply

Your email address will not be published.