////

કોરોનાના ડરથી પત્ની સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પતિને પડ્યું ભારે

કોરોનાના મહામારીના ડરને લઈને અજીબગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે અહીં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભોપાલની લૉ ટ્રિબ્યુનલ સમક્ષ એક એવો કેસ આવ્યો છે, જેમાં પતિને કોરોનાના ફોબિયાના કારણે પત્નીથી સોશિયલ ડિસ્ટન્સ રાખવું મોંઘુ પડ્યું છે. પતિના સોશિયલ ડિસ્ટન્સના કારણે પત્ની રિસાઈને પિયર જતી રહી અને કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી આપી છે.

આ અંગે મળતી જાણકારી પ્રમાણે, કોરોનાના ડરથી પતિ દામ્પત્ય જીવનની પોતાની ફરજો બજાવવાથી દૂર રહેતો હતો. જેના પર પત્નીએ આરોપ લગાવ્યો કે, તેનો પતિ શારીરિક સબંધ બાંધવા માટે સમર્થ નથી. પત્નીને મનાવવા માટે આખરે પતિએ મેડિકલ ટેસ્ટ કરાવીને પોતાની મર્દાનગીનો પુરાવો આપવો પડ્યો.

આ કેસમાં સમાધાન થયા બાદ શુક્રવારે મહિલા પોતાના પતિ સાથે સાસરીમાં પહોંચી છે. આ બન્નેના લગ્ન 29 જૂને થયા હતા. ટ્રિબ્યુનલમાં મહિલાએ 2 ડિસેમ્બરે અરજી કરી હતી. જેમાં આરોપ લગાવ્યા હતા કે, સાસરિયાઓ તેને પરેશાન કરે છે. તેમના લગ્નને માત્ર 5 મહિના જ થયા છે. પતિ ફોન પર સારી રીતે વાત જ નહતો કરતો, પરંતુ ક્યારેય નજીક પણ આવતો નહતો. જેને લઈને બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા.

પત્નીએ જણાવ્યું હતું કે, જેની સાથે જીવનભર સબંધ જોડ્યો હોય, તે જ મારાથી દૂર ભાગી રહ્યો હતો. આ વાત તેણે પોતાના પરિવારજનોને પણ જણાવી. પિયરના લોકોએ પણ પતિ સાથે વાત કરવા માંગી, પરંતુ તેણે યોગ્ય રીતે જવાબ આપ્યો નહતો. સાસરીયાઓના ત્રાસ અને પતિની અનદેખીને પગલે તે પિયર આવી ગઈ અને બે મહિના રહી. આખરે ભવિષ્યનો વિચાર કરીને તેણે ભરણ પોષણ માંગવાનો નિર્ણય કર્યો હતો.

ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને ટ્રિબ્યુનલે મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપી. જે બાદ પતિનો મેડિકલ રિપોર્ટ ફિટ હોવાનો આવ્યો હતો. આ રિપોર્ટ જોયા બાદ ટ્રિબ્યુનલને લાગ્યું કે, મહિલાએ પતિ પર ખોટા આરોપ લગાવ્યા હતા. જે બાદ મહિલા અને તેના પરિવારજનોની કાઉન્સિલિંગ કરવામાં આવી. આખરે મહિલા પોતાના પતિ સાથે જવા માટે રાજી થઈ ગઈ.us

મહત્વનું છે કે, કાઉન્સિંલિંગ દરમિયાન પતિએ ખુલાસો કર્યો કે, લગ્ન બાદ જ પત્નીના પરિવારના સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. આથી તેને લાગ્યું કે, પત્નીને પણ કોરોના હોઈ શકે છે. જેના કારણે તે પત્નીથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખતો હતો.

Leave a Reply

Your email address will not be published.