////

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સ્ટાફ વધારાયો

રાજ્યમાં કોરોના ફરી એકવાર બેકાબૂ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં દરરોજ કેસો વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 136 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 24 લોકોની હાલત ગંભીર છે. જો કે, દર્દીઓની સંખ્યા વધતા 500 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે અને તાત્કાલિક સ્ટાફ વધારવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. કોરોનાના કેસ ગત માર્ચ મહિનાના ગ્રાફની જેમ વધી રહ્યા હોવાનું સિવિલના નિષ્ણાંત ડૉકટર પણ માની રહ્યા છે.

ગત માર્ચ મહિના બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ કેસોમાં વધ ઘટ જોવા મળી હતી. જો કે, આ વર્ષે પણ માર્ચ મહિનામાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જેથી સરકાર અત્યારથી જ એલર્ટ થઈ ગઈ છે. લોકોને સાવચેત રહેવા અને સાવધાની રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી થોડા કેસ આવતા હતા પરંતુ હવે ચોંકાવનારી રીતે આ ગ્રાફ વધી રહ્યો છે. જેના કારણે હવે સિવિલ હોસ્પિટલ કઈ રીતે એલર્ટ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં હાલ કોરોના માટે 1200 બેડની હોસ્પિટલમાં 500 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. જેમાં પણ હાલ 136 કોરોનાં દર્દીઓ દાખલ છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે. રોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં 24 દર્દી ગંભીર હાલતમાં છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે. પી. મોદીએ જણાવ્યું હતું કે, અમે હાલ દરેક સ્થિતિ સામે લડવા તૈયાર છીએ. જેમાં પણ ખાસ કરીને હાલ પણ પહેલાની જેમ જ સારવાર આપવામાં આવી રહી છે. જેના માટે અમારો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસ 1100ની પાર પહોંચતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે, ગુજરાત સહિત દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં રસીકરણ વધારાશે. સાથે જ લોકડાઉનને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, અત્યારે લોકડાઉન નહી આવે.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોન્ટ્રાક્ટ ટ્રેસિંગને વધુ સઘન બનાવવામાં આવશે, નિયમોના પાલન માટે કડક પગલા લેવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં પણ બેડની વ્યવસ્થા વધારવા કહેવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.