////

ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો

રાજ્યમાં આગ લાગવાની ઘટના વારંવાર બની રહી છે. ત્યારે ફાયર વિભાગ તેમાં સારી કામગીરી કરતું હોય છે. આગ લાગે ત્યારે પહેલો ફોન ફાયર વિભાગને કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજદારે ફરિયાદ દાખલ કરી હતી અને સરકાર અને એ.એમ.સી.ના જવાબને પાયાવિહોણા ગણાવ્યા હતાં. ત્યારે હાઇકોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારને આ અંગે સવાલો કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે કોર્પોરેશનોમાં ફાયર વિભાગમાં જગ્યાઓ ખાલી હોવાથી રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી અને રાજ્ય સરકારને આકરા શબ્દોમા પૂછ્યું છે કે, ફાયરમેનની ખાલી જગ્યા માટે શું કામગીરી ચાલી રહી છે?

રાજ્યમાં ફાયર સેફટીની યોગ્ય અમલ થાય તે મામલે હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવી મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. આ મામલે એડવોકેટ જનરલે કહ્યું કે, આ ખાલી જગ્યાઓ પર નિયમિત નિંમણૂક અપાઈ છે અને જ્યાં જ્યાં ત્રુટીઓ હતી તે દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તમામ નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફ માટેની નિંમણૂક માટે જાહેરાત કરી દેવામાં આવેલી છે. મહાનગરપાલિકા વિસ્તારોમાં પણ ફાયર સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ પર 15 દિવસમાં નિંમણૂક થઈ જશે તેમ કહ્યું હતું. વધુમાં હાઇકોર્ટે એવું પણ પૂછ્યું હતું કે, અમદાવાદમાં ફાયરમેનની 99 જગ્યાઓ ખાલી છે તેના માટે શું કરી રહ્યા છો? ત્યારે એડવોકેટ જનરલે કહ્યું કે, આ ખાલી જગ્યાઓ પર નિયમિત નિંમણૂક અપાઈ છે.

હાઇકોર્ટે ફાયર સેફટી એન.ઓ.સી લીધા વિના બી.યુ. પરમિશન કઈ રીતે અપાય છે તેવો સવાલ કરતાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે, પહેલા એન.ઓ.સી.આપી હોય પછી લોકો રીન્યુ કરવામાં બેદરકારી રાખતા હોય છે જે કારણે આવું થાય છે. હાઇકોર્ટે ફાયર સેફટી એન.ઓ.સી. ના હોય તો શું પગલાં લઈ શકો પૂછતા એડવોકેટ જનરલે કહ્યું, આવી જગ્યાઓમાં ગટર અને પાણી તેમજ ઇલેક્ટ્રિક કનેક્શન કાપીને આ પ્રકારના દંડ ફટકારી શકાય.

હાઇકોર્ટે રાજ્યના બીજા જિલ્લા વડોદરા અને રાજકોટની સ્થિતિ અંગે પણ સરકાર પાસે જવાબ માંગ્યો હતો. ફાયર સેફ્ટી મુદ્દે અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી અને 156 નગરપાલિકા ફાયર વિભાગમાં ભરતી જ નથી કરાઈ તેવી ફરિયાદ કરી હતી. પરંતુ આ મામલે કોર્પોરેશન વિસ્તારમાં ખાલી જગ્યા 15 દિવસમાં જ ભરાઈ જશે તેવું રાજ્ય સરકારના એડવોકેટ જનરલે જણાવ્યું હતું. કેટલાક વર્ષોથી ફાયર વિભાગમાં આ જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે સરકાર અને સરકારી તંત્રને માત્ર આગ લાગે ત્યારે જ માત્ર ફાયરના સ્ટાફની યાદ આવતી હોય છે, પણ ઓછા સ્ટાફની અછતમાં પણ ફાયર વિભાગ હાલ પણ સારું કામ કરી રહ્યું છે. માત્ર અમદાવાદમાં જ નહી પણ અમદાવાદથી આજુબાજુના વિસ્તારમાંથી માહિતી મળતા ત્યાં પણ સેવા પુરી પાડે છે.

Leave a Reply

Your email address will not be published.