///

Farmers Protest: ખેડૂતોના બોર્ડર પર પ્રદર્શન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે ગતિરોધ ચાલુ છે. ખેડૂતો 3 નવા કૃષિ કાયદા પરત ખેંચવાની માંગણી પર અડગ છે. જ્યારે સરકાર કોઈ પણ સંજોગોમાં આ કાયદા પરત ન ખેંચવાની વાત કરે છે. તેવામાં ખેડૂતો ઘણા દિવસોથી દિલ્હીની તમામ સરહદો પર અડ્ડો જમાવીને આંદોલન કરી રહ્યા છે. આજે બુધવારે સુપ્રીમ કોર્ટ એ વાતનો નિર્ણય કરશે કે શું હાઈવે જામ કરવા કે આંદોલન કરવું યોગ્ય છે કે નહીં.

ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ કોઈ નક્કર સમાધાન નીકળ્યું નથી. આ બાજુ ખેડૂતો ઘણા દિવસોથી દિલ્હીની સરહદોને જામ કરી રહ્યા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે ખેડૂતોએ દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડરને પણ જામ કરવાની જાહેરાત કરી છે.

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર થઈ રહેલા ખેડૂતોના આંદોલન અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ હતી. અરજીમાં કહેવાયું હતું કે તેનાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કોર્ટ બુધવારે આ મામલે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રીમસુબ્રમણ્યમની બેન્ચ તેની સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલન સંબંધિત અત્યાર સુધીમાં ત્રણ અરજીઓ દાખલ થઈ છે.

વડાપ્રધાન મોદી ગઈકાલે મંગળવારે એક દિવસના ગુજરાત પ્રવાસે હતાં. અહીં તેઓએ ખેડૂતોને વિશ્વાસમાં લેવાની કોશિશ કરી હતી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના કચ્છમાં દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ પણ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે કેટલાક લોકો રાજનીતિ કરી રહ્યા છે અને ખેડૂતોના ખંભે બંદૂક રાખીને ચલાવી રહ્યા છે. તેમને દેશના ખેડૂતો હરાવીને રહેશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દિલ્હીની આસપાસ આજકાલ ખેડૂતોને ડરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. શું કોઈ તમારી પાસેથી દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો શું ભેંસ લઈને જતા રહે છે? જેવી આઝાદી પશુપાલકોને મળી રહી છે તેવી આઝાદી અમે ખેડૂતોને આપી રહ્યા છીએ. અનેક વર્ષોથી ખેડૂત સંગઠન તેની માંગણી કરતા હતાં, વિપક્ષ આજે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યો છે. પરંતુ પોતાની સરકાર સમયે તે આવી જ વાતો કરતો હતો.

Leave a Reply

Your email address will not be published.