///

ચર્ચિત ચારા કૌભાંડ : લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી 27 નવેમ્બર સુધી ટળી

રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની ચર્ચિત ચારા કૌભાંડમાં જામીન અરજી પર સુનાવણી આગામી 27 નવેમ્બર સુધી ટળી ગઈ છે. જેમાં ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહની કોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને શપથપત્ર દાખલ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. આ સાથે જ સુનાવણી માટે તારીખ 27 નવેમ્બર નિર્ધારીત કરવામાં આવી છે.

તો આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ તરફથી દુમકા કોષાગારમાંથી ગેરકાયદેસર રીતે ઉપાડાયેલા પૈસા કેસમાં જામીન અરજી દાખલ કરાયેલી છે. આ કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે તેમને દોષિત ઠેરવીને 7 વર્ષની સજા સંભળાવી છે. આ સજા દરમિયાન સારવાર અર્થે લાલુને રિમ્સના કેલી બંગલામાં રાખવામાં આવ્યા છે. લાલુ તરફથી અરજીમાં જણાવાયું છે કે, અડધી સજા પૂરી કરી લેવાઈ છે આથી તેમને જામીન આપવામાં આવે. આ ઉપરાંત તેમણે પોતાની બીમારીનો હવાલો પણ આપ્યો. લાલુ પ્રસાદના વકીલ તરફથી કોર્ટમાં અરજી આપીને કેસમાં જલદી સુનાવણીનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદને ચારા કૌભાંડના 5 કેસોમાં આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાંથી ચારમાં સજા થઈ છે. દેવધર અને ચાઈબાસા કોષાગારમાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડવાના બે કેસમાં તેમને હાઈકોર્ટમાંથી અગાઉ જામીન મળી ચૂકયા છે. અન્ય એક કેસમાં વર્ષ 2013માં જ જામીન મળી ગયા હતા. જ્યારે દુમકા કોષાગારમાથી ઉપાડ કેસમાં જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી. આ બાજુ ડોરંડા કોષાગારમાંથી પણ ઉપાડ મામલે સીબીઆઈની કોર્ટમાં સુનાવણી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.