///

ગુજરાત હિંસા: રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીને ક્લિનચિટ આપવા સામે ઝકિયા જાફરીની અરજી પર એપ્રિલમાં સુનાવણી

વર્ષ 2020ના ગુજરાત રમખાણ કેસમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને SIT તરફથી આપવામાં આવેલી ક્લીન ચિટને પડકારતી ઝકિયા જાફરીની અરજી પર હવે સુપ્રીમ કોર્ટ 13 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આગામી તારીખે સુનાવણી સ્થગિત રાખવાની કોઈ અરજીને ધ્યાનમાં નહીં લેવામાં આવે. ઝકિયા જાફરી ગુજરાત રમખાણમાં મૃત્યુ પામેલા કોંગ્રેસના સાંસદ અહેસાન જાફરીના પત્ની છે.

સુપ્રીમ કોર્ટના જજ એ. એમ. ખાનવિલકર, જજ દિનેશ માહેશ્વરી અને કૃષ્ણ મુરારીની પીઠે ઝાકિયા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની એ અપીલ પર ધ્યાન આપ્યું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ મરાઠા અનામતના કેસમાં વ્યસ્ત હોવાથી ઝાકિયા જાફરીના કેસની સુનાવણી એપ્રિલ મહિનાના કોઈ પણ દિવસે રાખવામાં આવે.

તો બીજી બાજુ ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ સુનાવણી સ્થગિત કરવાની અરજીનો વિરોધ કરતાં કહ્યું કે, આ કેસ પર આગામી અઠવાડિયે જ સુનાવણી થવી જોઈએ. જ્યારે SITનો પક્ષ રાખી રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પણ સુનાવણી સ્થગિત કરવાની અરજીનો વિરોધ કરતાં કહ્યું કે, કેસ પર ચુકાદો આવવો જોઈએ.

આ મામલે કોર્ટની પીઠે કહ્યું કે, આ કેસની આગામી સુનાવણી 13 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. હવે કેસની સુનાવણી મુલતવી રાખવાની કોઈ અપીલ સ્વીકારવામાં નહીં આવે. ગત વર્ષે સર્વોચ્ચ અદાલતે ફેબ્રુઆરીમાં જ કેસની સુનાવણી માટે 14 એપ્રિલ, 2020ની તારીખ નક્કી કરતાં કહ્યું હતું કે, સુનાવણી અનેક વાર મુલતવી કરવામાં આવી ચૂકી છે. હવે કોઈના કોઈ દિવસે તો સુનાવણી કરવી જ પડશે. આ અગાઉ ઝાકિયાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, અરજી પર એક નોટિસ મોકલવાની જરૂરત છે, કારણ કે તે 27 ફેબ્રુઆરી 2002થી મે-2002 સુધી કથિત મોટા કાવતરા સબંધિત છે.

નોંધનીય છે કે, ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો એક કોચ આગને હવાલે કરવામાં આવતા 59 કાર સેવકો જીવતા ભડથૂ થઈ ગયા હતા. જેના એક દિવસ બાદ 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં 68 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ હિંસામાં મોતને ભેટેલા લોકોમાં અહેસાન જાફરી પણ સામેલ હતા.

આ ઘટનાના લગભગ 10 વર્ષ બાદ 8 ફેબ્રુઆરી 2012ના રોજ SITએ નરેન્દ્ર મોદી તથા અન્ય 63 લોકોને ક્લીન ચિટ આપતા ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તપાસ એજન્સીઓને આરોપીઓ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી મળ્યાં. ત્યાર બાદ ઝકિયાએ SITના નિર્ણય વિરુદ્ધ દાખલ અરજીને રદ્દ કરવા માટે ગુજરાત હાઈકોર્ટના 5 ઓક્ટોબર 2017ના આદેશને 2018માં સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.