આજે દેશમાં સરદાર પટેલની 145મી જન્મજયંતી પર એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા.તેમણે સરદારની પ્રતિમાને નમન કર્યું. ઉપરાંત હેલિકોપ્ટરથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેના બાદ પીએમ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા. દેશના લોખંડી પુરુષ માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવતી પુષ્પાંજલિ ખાસ બની રહી હતી. અહીથી હવે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસની શરૂઆત થશે.
વડાપ્રધાન સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા બાદ એક્તા પરેડ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા. જેંમાં તેમણે એક્તા પરેડમાં તમામ લોકોને દેશની એક્તાના શપથ લેવડાવ્યા હતા. તો સાથે જ આ પરેડ ભવ્ય બની રહી હતી. જ્યાં જવાનોએ પરેડ કરી હતી. પોતાની શક્તિ તથા એક્તાનું પ્રદર્શન કર્યું હતુ. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ દરમિયાન પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અને સરદાર સરોવર ડેમ માટે ડાયનેમિક લાઈટિંગનું ઉદઘાટન કર્યું. સાથે જ યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડનની પણ મુલાકાત કરી. પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ, કેવડિયા મોબાઈલ એપ્લિકેશ અને કેવડિયામાં સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કમાં જંગલ સફારીની શરૂઆત કરાવી. મોદીએ ઝુઓલોજિકલ પાર્કની ટુર પણ કરી. આ ઉપરાંત તેઓએ એક્તા મોલ, આરોગ્ય વન અને ચિલ્ડ્રન પાર્કનું પણ ઉદઘાટન કર્યું. અહી તેઓએ ટ્રેનની સવારી પણ કરી.