///

હાઈકોર્ટે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આપી રાહત, આચારસંહિતા ભંગનો કેસ રદ

રાજ્યમાં ગૃહ ખાતાનો રાજ્ય કક્ષાનો હવાલો સંભાળી રહેલા પ્રદીપસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. જેમાં તેમની સામેના આચારસંહિતા ભંગ અંગેનાં ફોજદારી કેસને રદ કરવામાં આવ્યો છે. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણી સમયે જાડેજા સામે આ કેસ નોધાયો હતો. જેમાં જાડેજાએ તેમની સામેનો આ કેસ રદ કરવા હાઈકોર્ટમાં 13 ઓક્ટોબરના રોજ અરજી કરી હતી.

ત્યારબાદ રાજ્ય સરકારે પણ આ કેસ રદ કરવાની તરફેણ કરી હતી. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ આઈ.જે. વોરા સમક્ષ આવતાં હાઈકોર્ટે આજે જાડેજા સામેની આ ફરિયાદની કાર્યવાહી જે અગાઉ સ્ટે કરી હતી તેમાં છેલ્લો ચૂકાદો આપતા સમગ્ર કેસ જ રદ કરી દીધો છે. મેજીસ્ટેરીયલ અદાલત દ્વારા જાડેજા સામે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 127-એ (1) તથા 127-બી (2) હેઠળ નોંધાયેલી ફરિયાદમાં કાર્યવાહી કરી હતી.

આ ફરિયાદ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ શાહે નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, અસારવા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા જાડેજાએ તેમના પ્રચાર અંગેના પેમ્પલેટમાં પ્રિન્ટર અને પબ્લીશરનું નામ પ્રસિધ્ધ કર્યું નથી અને તે રીતે ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હતો. પરંતુ આજે રાજ્ય સરકાર અને જાડેજા બંનેના ધારાશાસ્ત્રીઓની રજૂઆત માન્ય રાખી છે અને તેમની સામેનો કેસ રદ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.