////

ભાજપ નેતાની પૌત્રીની સગાઇ મામલે હાઇકોર્ટની નારાજગી, પોલીસ પાસે માગ્યો જવાબ

તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામીતના પૌત્રીની સગાઈમાં એકત્રિત થયેલી ભીડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાએ નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શું આ પ્રકારની ઘટના માટે જિલ્લા પોલીસ વિભાગના કોન્સ્ટેબલથી લઈને પોલીસ સુપરિટેનડેન્ટ કક્ષાના અધિકારીઓ જવાબદાર નથી.

ગુજરાત હાઈકોર્ટેમાં રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે, આ કેસમાં FIR દાખલ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું જ્યારે ભીડ એકત્ર થઈ રહી હતી ત્યારે પોલીસ શું કરી રહી હતી. આ જિલ્લાના પોલીસ સુપ્રિટેનડેન્ટ શું કરી રહ્યા હતા. તેઓ આ કાર્યક્રમની પરવાનગી કઈ રીતે આપી શકે. આ રીતના કાર્યક્રમથી સરકારની કોરોના બચાવની તમામ કામગીરી પર પાણી ફરી વળે છે.

આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે કહ્યું કે, આ રીતે લોકોના આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે. જ્યારે વ્યક્તિને એટલી બોલવાની હિંમત છે કે, તેણે માત્ર બે હજાર લોકોને જ બોલાવ્યા હતાં. રાજ્ય સરકારે લગ્નમાં હાજરી આપવાની લિમિટ 100 લોકોની રાખી છે અને ભાજપ પ્રદેશ હાઈ-કમાન્ડ દ્વારા પણ રેલી કે ભીડ ભેગી ન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, કોરોના સંક્રમણ વચ્ચે ભાજપના નેતા કાંતી ગામીતના પૌત્રીની સગાઇનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં હજારોની સંખ્યામાં લોકો ગરબા રમતા જોવા મળે છે અને સોશિયલ ડિસ્ટસિંગ જેવા કોઇ પણ નિયમનું પાલન થતુ જોવા મળતુ નથી. ભાજપના નેતાના પૌત્રીના લગ્નમાં જ કોરોનાની ગાઇડલાઇનનું પાલન ના થતા વિવાદ થયો છે. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે વીડિયોનું વિશ્લેષણ કરી તપાસના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published.