///

નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ 26/11 જેવા હુમલાની ફીરાકમાં હતા, વડાપ્રધાને બોલાવી હાઇ લેવલની બેઠક

જમ્મુ-કાશ્મીરના નગરોટામાં આતંકીઓ સાથેની અથડામણ મામલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં એક હાઇ લેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ, અજીત ડોવાલ, વિદેશ સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે. આ આતંકીઓ ભારતમાં 26/11 જેવી બીજી કોઇ ઘટનાનું ષડયંત્ર રચી રહ્યા હતાં.

આતંકીઓ દાખલ થયા હોવાના ઇનપુટ મળ્યા બાદ પોલીસે નગરોટા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી હતી અને દરેક સ્થળે વાહનોની જોરદાર ચેકીંગ કરવામાં આવી હતી. તે દરમિયાન, સવારે 4.20ની આસપાસ શ્રીનગર-જમ્મુ હાઇવે પર કાશ્મીર તરફ જઇ રહેલી એક ટ્રકને સૈનિકોએ ચેકીંગ માટે રોક્યા હતાં. પરંતુ ચેકીંગ દરમિયાન તે અટકી જતાં ટ્રકનો ચાલક ભાગ્યો હતો.

નોંધનીય છે કે, સુરક્ષા દળોએ ટ્રકની તપાસ કરી તો તેમાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતું. ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતાં. સુરક્ષાદળોએ આ આતંકીઓનો પીછો કર્યો હતો અને જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં સૈનિકોની લગભગ ત્રણ કલાકની કાર્યવાહીમાં તમામ ચારેય આતંકવાદીઓ ઠાર માર્યા હતાં. ફાયરિંગને કારણે ટ્રકમાં આગ લાગી હતી. તપાસ કરતા ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસ આઈજીએ જણાવ્યું કે, બાતમીના ઇનપુટ પર ચેકીંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ટ્રકની તલાશી લેતા ફાયરિંગ શરૂ થયું હતું. આ એન્કાઉન્ટર 3 કલાક સુધી ચાલ્યું હતું. પોલીસ, સીઆરપીએફ અને આર્મીના એકમોએ કાર્યવાહી હાથ ધરી હતી. આ ચારે આતંકીઓ જેશ-એ-મોહમ્મદના સાગરિત છે.

આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે કહ્યું હતું કે, સુરક્ષા દળો દ્વારા આ એક પ્રકારે સફળ ઓપરેશન હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, દુશ્મનો અને આતંકીઓ માટે સ્પષ્ટ સંદેશ છે કે, જે અમારી તરફ ઘુસણોખોરી કરવાનું વિચારી રહ્યા હશે તેમને આ પ્રકારે પહોંચી વળાશે, પરત ફરવા નહીં દઇએ.

Leave a Reply

Your email address will not be published.