///

પશ્ચિમ બંગાળમાં જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ ગૃહ મંત્રાલયનો નિર્ણય

પશ્ચિમ બંગાળમાં BJP અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં મંત્રાલયે પશ્ચિમ બંગાળના ત્રણ IPS અધિકારીઓને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર બોલાવ્યા છે. આ અંગે ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, ભાજપ પ્રમુખ જેપી નડ્ડાની સુરક્ષા માટે જવાબદાર પશ્ચિમ બંગાળના ત્રણ IPS અધિકારીઓને ગૃહ મંત્રાલયએ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર સર્વિસ માટે બોલાવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય અને પોલીસ વડા વિરેન્દ્રને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિશે સ્પષ્ટીકરણ આપવા માટે 14 ડિસેમ્બરે હાજર થવા કહ્યુ હતું. તો બીજી તરફ રાજ્યપાલ જગદીપ ધનખડે પણ 10 ડિસેમ્બરે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં નડ્ડાના કાફલા પર થયેલા હુમલાની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રને પોતાનો રિપોર્ટ મોકલ્યો હતો.

તો બીજી બાજુ બંગાળના અધિકારીઓને દિલ્હી બોલાવવાને લઇને તૃણમૂલ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના સીનિયર સાંસદ કલ્યાણ બેનરજીએ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને પત્ર લખીને કહ્યું કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાને લઇને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને પોલીસ વડાને દિલ્હી બોલાવવા રાજકારણથી પ્રેરિત છે. આ સાથે જ તેમણે કહ્યું કે કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય છે. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના ચીફ વ્હીપ બેનર્જીએ આરોપ લગાવ્યો કે રાજ્યના તંત્રને ભયભીત કરવા માટે દબાણ નાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેન્દ્રીય ગૃહપ્રધાનના ઇશારા પર ટોચના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મમતા બેનરજીના નિવેદનને લઇને પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું હતું કે મુખ્યપ્રધાને બંધારણનું પાલન કરવુ પડશે. તે તેનાથી અલગ નથી જઇ શકતા. રાજ્યની કાયદા-વ્યવસ્થા સતત ખરાબ થઇ રહી છે, તેમણે હુમલાની ઘટનાને લોકતંત્ર પર દાગ ગણાવ્યો હતો. ધનખડે કહ્યું હતું, હુમલાની ઘટના દૂર્ભાગ્યપૂર્ણ છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કહ્યું હતું કે, મમતા બેનરજીએ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા મામલે આપેલા પોતાના નિવેદન પર માફી માંગવી જોઇએ. રાજ્યપાલ ધનખડે ગુરૂવારે પણ હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતું કે રાજ્યનું તંત્ર ચેતવણી છતા કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યુ હતું.

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં કોલકાતાથી દક્ષિણ 24 પરગણા જિલ્લામાં જવા દરમિયાન ડાયમંડ હાર્બર વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર ગુરૂવારે પત્થર ફેકવામાં આવ્યા હતા. પત્થરમારાની ઘટનામાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે જણાવ્યુ હતું, ડાયમંડ હાર્બરની અમારી યાત્રાના સમયે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ રસ્તો રોક્યો હતો અને નડ્ડાના વાહન તથા બીજી કાર પર પત્થર ફેક્યા હતા. આ તૃણમૂલ કોંગ્રેસનો અસલી રંગ બતાવે છે.

Leave a Reply

Your email address will not be published.