////

ચીનમાં જોવા મળેલો Monkey B વાયરસ કઈ રીતે માણસમાં ફેલાઈ છે ? જાણો લક્ષણો

ચીનમાંથી પ્રસરેલા કોરોનાનો કહેર હજુ યથાવત છે, ત્યાં જ ચીનમાં મંકી બી વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે હવે આ નવા ઘાતક વાયરસથી બેઇજિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. અહીંના એક પશુ ચિકિત્સકનું મોત આ વાયરસનો ચેપ લાગવાથી થયું, જેને ચીને પુષ્ટિ આપી છે.

ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના હવાલા સાથે અહીંના ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે, ઉપરોક્ત દર્દી પશુ ચિકિત્સકના ઇલાજ માટે કેટલીય હોસ્પિટલોમાં કોશિશ કરાઇ, પરંતુ ગઇ તા.27 મેએ એમનું મોત થયું. આ અગાઉ, ચીનમાં મંકી બી વાયરસનો કોઇ કેસ નોંધાયો નથી. પશુ ચિકિત્સકનો કેસ મંકી બી વાયરસથી થયેલા પ્રથમ માનવ ચેપનો કેસ છે.

આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઉપરોક્ત 53 વર્ષીય પશુ ચિકિત્સકે માર્ચની શરૂઆતમાં બે મૃત વાંદરાનું ડિસ્સેક્શન કર્યું હતું. એના એક મહિના પછી એમની તબિયત બગડવા માંડી હતી. એમને ઊલટી શરૂ થઇ હતી.

ત્યારબાદ એપ્રિલમાં ડૉકટરની તબિયતની તપાસ માટે એમના શરીરમાંથી સેરેબ્રોસ્પાઇનલ ફલુઇડનો નમૂનો લેવામાં આવ્યો, જેના રિપોર્ટમાં મંકી બી વાયરસ હોવાના મુદ્દાને સમર્થન મળ્યું હતું. મૃતકના નજીકના લોકો તથા તેઓ જેમના સંપર્કમાં આવ્યા હતા, તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમના રિપોર્ટ નૅગેટિવ આવતાં વિજ્ઞાની સમુદાયે રાહતના શ્વાસ લીધા છે.

ઉલ્લેખનીય છે કે 1932માં પ્રથમ વખત આ વાઇરસની ઓળખ થઈ હતી. વાઇરસના સીધા સંપર્કમાં આવનારી અથવા તો શારીરિક સ્રાવોના સંપર્કમાં આવનારી વ્યક્તિને આ રોગ લાગુ પડી શકે છે.

જોકે સામાન્ય રીતે આ બીમારી મનુષ્યોમાં નથી જોવા મળતી, પરંતુ જો થઈ જાય તો બરોળમાં સોજો આવી શકે છે. તેમજ ચેતાતંત્ર સંબંધિત ફરિયાદ થઈ શકે છે. ઊલટી અને ચક્કર તેનાં સર્વસામાન્ય લક્ષણ છે. આનાથી બીમાર વ્યક્તિમાં મૃત્યુનો દર 70થી 80 ટકા જેટલો ઊંચો હોય છે.

આ વાયરસ માણસોમાં મૅકાક વાનરના બચકું ભરવાથી કે નખોરિયાં ભરવાથી ફેલાઈ શકે છે. આ સિવાય વાઇરસગ્રસ્ત વાનરનાં મળ-મૂત્ર કે લાળથી પણ ફેલાઈ શકે છે. આ સિવાય ચેપી ઇન્જેક્શનને કારણે પણ તેનો ફેલાવો થઈ શકે છે. વાયરસ સામાન્ય વસ્તુસપાટી ઉપર કલાકો સુધી જીવિત રહી શકે છે અને તેમાં પણ ભેજવાળી સપાટી ઉપર તેનું આયુષ્ય વધારે હોય છે.

જોકે આ વાઇરસનાં કોઈ સર્વસામાન્ય લક્ષણ નથી, તેમ છતાં સામાન્ય ચેપની જગ્યાએ ફોલ્લા પડવા, ફ્લૂનાં લક્ષણ,તાવ અને ઠંડી લાગવી, 24 કલાક કરતાં વધુ સમય સુધી માથામાં દુખાવો, થાક, સ્નાયુઓ અકડાવા, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણ જોવાં મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.