/////

મતદાનનું મહત્ત્વ : મોરબીના બગસરા ગામે પત્નિની અંતિમવિધિ પૂર્ણ કરીને પતિએ કર્યું મતદાન

આજે ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર પેટા ચૂંટણી ચાલી રહી છે. ત્યારે મતદાન કરવા માટે લાયક હોય તેવા તમામ લોકોએ મતદાન કરવું જોઈએ તે વાત સમજાવવા માટે ચૂંટણી પંચ પણ મતદાતાઓને જાગૃત કરતું હોય છે. એવામાં મોરબીના માળીયા-મિયાણાના બગસરા ગામ ખાતે મતદાનનું મહત્ત્વ સમજાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પત્નીની અંતિમવિધિ પૂર્ણ કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે બગસરા ગામના વતની ચંદુભાઈ ભગાભાઈ અખિયાણીના પત્નીનું અકસ્માતમાં નિધન થયું હતું. ત્યારબાદમાં ચંદુભાઈએ પ્રથમ તેમના પત્નીની અંતિમવિધિ કરી હતી. બાદમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા હતા. ચંદુભાઈની સાથે-સાથે તેમના પુત્રએ પણ મતદાન કર્યું હતું. સાથે જ ચંદુભાઈએ અન્ય લોકોને પણ પરિવાર સાથે મતદાન કરવા માટેની અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ આઠ બેઠક પર મતદાન યોજાયું છે. સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલશે. આઠ બેઠકો પર કુલ 18,75,032 મતદારો મત આપશે, જેમાં 9,05,170 મહિલા અને 9,69,834 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. કુલ 3,024 મતદાન મથક પર મતદારો મતદાન કરશે. આ વખતે કોવિડની માર્ગદર્શિક મુજબ એક બૂથ પર 1,500ના બદલે 1,000 મતદારો જ મતદાન કરી શકશે. આ માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.