////

ભવ્ય જીત બાદ મમતા દીદીએ આપી પ્રતિક્રિયા, લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું…

પશ્ચિમ બંગાળની સત્તામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત ત્રીજીવાર વાપસી કરી રહ્યાં છે. ત્યારે અત્યાર સુધી મતોની ગણનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, બંગાળમાં ટીએમસીની સરકાર બનવા જઈ રહી છે. જેમાં આ અભૂતપૂર્વ જીત બાદ પ્રદેશના મુખ્યમંત્રી મમતા બેનર્જી મીડિયાની સામે આવ્યા અને તમામનો આભાર વ્યક્ત કર્યો છે. પરંતુ તેમણે કહ્યું કે, હું છ વાગ્યા બાદ પત્રકાર પરિષદ કરીશ.

મમતા બેનરજીએ કહ્યું કે, હું તમામનો આભાર માનવા માંગુ છું. હું સૌને વિનંતી કરું છું કે, વિજય સરઘસ ન નિકાળો. હું દરેકને તેમના ઘરે પાછા જવા વિનંતી કરું છું. હું સાંજે 6 વાગ્યા બાદ મીડિયાને સંબોધન કરીશ.

પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણી તૃણમૂલ કોંગ્રેસ માટે સરળ રહી નહીં. ભારતીય જનતા પાર્ટીએ ટીએમસીને ચૂંટણી પ્રચાર દરમિયાન આકરી ટક્કર આપી હતી. મોટાભાગના એક્ઝિટ પોલમાં બન્ને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી હતી. પરંતુ પરિણામમાં મમતા બેનર્જી ક્લીન સ્વીપ કરતા જોવા મળી રહ્યાં છે. ટીએમસીને 210થી વધુ સીટ મળી રહી છે.

મહત્વનું છે કે, હાલ ટીએમસી 209 સીટ પર આગળ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 80 સીટો પર લીડ હાસિલ કરી છે. આ સિવાય કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધન માત્ર બે સીટો પર આગળ છે અને અન્ય એક સીટ પર આગળ છે. રાજ્યમાં સત્તામાં પહોંચવા માટે બહુમતનો આંકડો 147 છે.

ટીએમસીએ મમતા બેનર્જીની આગેવાનીમાં સતત ત્રીજીવાર રાજ્યની સત્તા કબજે કરી છે. 2011માં પ્રથમવાર મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 2016માં 200થી વધુ સીટો જીતી સત્તામાં વાપસી કરી હતી. હવે 2021માં સતત ત્રીજીવાર મમતા બેનર્જી રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.