////

રાજ્યમાં સજાની વિચારણા : માસ્ક ન પહેરવા પર જાહેર સ્થળે બેનર પકડીને ઉભા રહેવું પડશે

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે સજાની વિચારણા થઇ રહી છે. જેમાં હવે રાજ્ય સરકાર માસ્ક વગર ફરતા લોકો માટે અનોખી સજાની વિચારણા કરી રહી છે. જેમાં માસ્ક વગર ઝડપાયા તો 1 હજારના દંડ ઉપરાંત પૂરો દિવસ ‘માસ્ક જરૂર પહેરો’ના બેનર લઇને જાહેર રસ્તા તેમજ જાહેર સ્થળો પર ઉભા રહેવું પડી શકે છે. જો એક જ વ્યક્તિ બીજી વખત માસ્ક વગર ઝડપાયો તો તેણે જાહેર સ્થળે સાફ સફાઇની કામગીરી કરવી પડી શકે છે.

જેમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિઓને પબ્લિક પાર્ક, ચાર રસ્તા, બજારો, શોપિંગ મોલ્સ કે શહેરનાં બિઝી જંક્શનો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો જેવાં સ્થળોએ આ કામ કરવા માટે રાજ્ય સરકાર મોકલી શકે છે. જો એક જ વ્યક્તિ બીજી વાર માસ્ક નહીં પહેરેલી ઝડપાશે તો એના માટે જાહેર સ્થળે સફાઇ કે અન્ય વધુ કડક સજા કરવા સુધીની વિચારણા હાલ ચાલી રહી છે.

મહત્વનું છે કે, રાજ્ય સરકારને હાઇકોર્ટે માસ્ક ના પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના દર્દીઓની સેવા કરવાના સજા કરવાનો હુકમ કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે લોકો માસ્ક ફરજિયાત પહેરતા થાય તે માટેના અસરકારક ઉપાયો માંગ્યા હતા. માસ્ક ના પહેરનારા લોકોને કરી શકાય તેવી હળવી સજાની જોગવાઇઓની યાદી આરોગ્ય વિભાગ દ્વાર તૈયાર કરવામાં આવી છે.

નોંધનીય છે કે, અલગ-અલગ વયજૂથના અને પુરુષ કે મહિલાને જોઇને જે-તે સજાની જોગવાઇ કરવામાં આવી શકે છે. હાલ પોલીસ વિવિધ લોકોને માસ્ક નહીં પહેરવા બદલ દંડ ફટકારી રહી છે, પરંતુ એને લઇને પણ અનેક લોકો પોલીસ સાથે સંઘર્ષમાં ઊતરી જાય છે. આ સ્થિતિનું નિવારવા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા હાથ ધરાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.