///

એક એવુ પર્યટન સ્થળ જ્યાં સગા ભાઈ-બહેન સાથે જાય તો પતિ-પત્ની બની જાય છે!

ભારતમાં ઈતિહાસના અસંખ્ય એવા રહસ્યો સાથે અનેક પ્રાચીન ઈમારતો ઉભી છે. આ ઈમારતો સાથે કેટલાંક ગૂઢ રહસ્યો તો કેટલીક રોમાંચક હકીકતો પણ જોડાયેલી છે. આવી જ એક રસપ્રદ હકીકત જોડાયેલી છે ઉત્તરપ્રદેશના જાલૌનમાં આવેલાં લંકા મિનાર સાથે. આ મિનારને રામલીલામાં વર્ષો સુધી રાવણનું પાત્ર ભજવનારા મથુરા પ્રસાદ નામના વ્યક્તિએ બનાવ્યો છે.

રાવણનું પાત્ર તેમના મન-મસ્તિષ્ક સાથે એવું જોડાઈ ગયું કે તેમણે 210 ફૂટની ઊંચાઈનો આખો મિનાર જ બનાવી નાખ્યો. આ મિનારમાં ન માત્ર રાવણ પણ તેમના પરિવારના તમામ સભ્યોની પ્રતિકૃતિ અંકાયેલી છે. આ મિનાર 145 વર્ષથી અહીં અડીખમ ઉભો છે. છેક વર્ષ 1875માં તેને બનાવવામાં આવ્યો હતો. 145 વર્ષ પહેલાં પણ તે પોણા બે લાખ રૂપિયામાં બન્યો હોવાનું કહેવાય છે. કહેવાય છે કે મથુરા પ્રસાદ તો રાવણનું પાત્ર ભજવતા પણ તેમની સાથે મંદોદરીનું પાત્ર ઘસીતી બાઈ નામના એક મુસ્લિમ મહિલા ભજવતા હતાં. આ મિનારમાં 100 ફૂટના કુંભકર્ણની અને 65 ફૂટના મેઘનાથની પ્રતિમા પણ બનેલી છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ મિનાર બનાવવા છીપ, કોડી, અડદની દાળ અને શંખનો ઉપયોગ કરાયો છે. મિનારની સામે જ ભગવાન શિવની પ્રતિમા છે. મિનાર પર રાવણની પ્રતિકૃતિ પણ અંકાયેલી છે. તેની ઠીક સામે ભગવાન શિવની પ્રતિમા છે. એટલે કે જાણે 24 કલાક શિવભક્ત રાવણ ભગવાન શિવના દર્શન કરી શકે. મિનારના પરિસરમાં જ 95 ફૂટ લાંબા નાગની પ્રતિકૃતિ પણ છે. સૌથી ખાસ વાત એ છે કે કુતુબ મિનાર બાદ આ જ મિનાર દેશમાં સૌથી ઉંચો છે.

આ મિનાર પ્રાચીન બાંધકામ પદ્ધતિથી તૈયાર કરાયો છે. મિનારની રચના એવી છે કે તેની અંદર જઈને બહાર આવવામાં સાત વાર પ્રદક્ષિણા કરવાનું થાય છે. અને તે પ્રદક્ષિણા કરવાથી સાત ફેરા લેવાયા જેવું થાય છે. એક પુરુષ અને એક સ્ત્રી આ મિનારમાં સાથે અંદર ત્યારે જ જાય છે જ્યારે તેઓ પતિ-પત્ની હોય. માટે આ મિનારમાં ભાઈ-બહેન સાથે જઈ શકતા નથી. ઉત્તરપ્રદેશની યાત્રામાં જાઓ તો આ જાલૌનમાં આવેલાં આ પ્રાચીન લંકા મિનારની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.

Leave a Reply

Your email address will not be published.