//

રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યના નાના દૂધ ઉત્પાદકો પશુપાલકો- શ્રમિકો- કામદારોને મળશે આર્થિક આધાર
દૂધ મંડળીના સભાસદ ન હોય તેવા નાના-પશુપાલકો અને દૂધ ઉત્પાદકો પ્રાથમિક દૂધ સહકારી મંડળીમાં દૂધ ભરાવી શકશે
ઊદ્યોગો, ફેકટરી, નાના મોટા એકમો-રજીસ્ટર્ડ કોન્ટ્રાકટર્સ પોતાના કર્મચારીઓને લોકડાઉન દરમિયાન ટર્મિનેટ નહિ કરી શકે- અને વેતન પણ નહિં કાપી શકે
દિવ્યાંગ-નિરાધાર-ગંગા સ્વરૂપા માતા-બહેનોના કુલ ૧૩.૬૬ લાખ લાભાર્થીઓને એપ્રિલ માસના એડવાન્સ પેન્શનની રૂ. રર૧ કરોડની રકમ ડી.બી.ટી. જમા થઇ
અન્નબ્રહ્મ યોજનામાં અત્યંત ગરીબ-શ્રમિક-અન્ય પ્રાંતના રોજમદાર કારીગરોને અપાશે અનાજ

વિશ્વવ્યાપી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં જાહેર થયેલા લોકડાઉનને પગલે ગુજરાતમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીએ આ લોકડાઉનના સમયગાળા દરમિયાન રાજ્યના ગ્રામીણ ક્ષેત્રના નાના દૂધ ઉત્પાદકો-પશુપાલકો તેમજ ખાનગી ઊદ્યોગો-ધંધા વ્યવસાયમાં કાર્યરત કર્મચારીઓને આર્થિક આધાર આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયોની ભુમિકા પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.તેઓએ આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ગ્રામીણ વિસ્તારોના નાના દૂધ ઉત્પાદકો-પશુપાલકો જેઓ કોઇ દૂધ મંડળીના સભાસદો નથી તેઓ સ્થાનિક રીતે દૂધનું વિતરણ કરી શકતા નથી અને દૂધ બગડી જવાથી તેમને આર્થિક નુકશાન વેઠવા વારો આવે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આવા નાના પશુપાલકો-દૂધ ઉત્પાદકોને આર્થિક નુકશાનથી રાહત આપવા તેમના વિશાળ હિતમાં એવો નિર્ણય કર્યો છે કે નાના દૂધ ઉત્પાદકો જો કોઇ દૂધ મંડળીના સભાસદ ન હોય તો પણ હાલની સ્થિતીમાં તેઓ પોતાનું દુધ પ્રાથમિક દૂધ સહકારી મંડળીમાં ભરાવી શકશે મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ કે, પ્રાથમિક દૂધ સહકારી મંડળીઓ દ્વારા સ્વીકારવામાં આવેલું આવું બિનસભાસદ પશુપાલકોનું દૂધ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો અને ફેડરેશનને સ્વીકારવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

તેઓએ ઉમેર્યુ કે, લોકડાઉનની આ સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-વ્યવસાય રોજગારને અસર પહોચી છે તેવા સંજોગોમાં મુખ્યમંત્રીએ આવા ખાનગી ક્ષેત્રમાં કામ કરતાં કામદારો, કર્મચારીઓને તેમના ઊદ્યોગ એકમો, ફેકટરીઝ, દુકાનધારકો કે રજીસ્ટર્ડ કોન્ટ્રાકટરો લોકડાઉન દરમિયાન ટર્મિનેટ નહિ કરી શકે તેવી સ્પષ્ટ સુચનાઓ આપી છે એટલું જ નહિ, આવા ક્ષેત્રના કર્મચારીઓનો લોકડાઉનના સમય દરમિયાનનો પગાર-વેતન પણ કાપવામાં ન આવે તેવા આદેશો પણ તેમણે આપ્યા છે મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, નિરાધાર, દિવ્યાંગ, ગંગાસ્વરૂપા માતા-બહેનો તથા રાજ્ય સરકારની સમાજકલ્યાણ યોજનાઓ અંતર્ગત માસિક પેન્શન મેળવતા લાભાર્થીઓને લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં આર્થિક સંકડામણ ન ભોગવવી પડે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આવા લાભાર્થીઓને એપ્રિલ માસનું માસિક પેન્શન એડવાન્સમાં આપવા અગાઉ જાહેરાત કરેલી હતી. રાજ્યમાં આવા ૧૩.૬૬ લાખ લાભાર્થીઓના બેન્ક ખાતામાં એપ્રિલ માસના પેન્શનની કુલ રૂ. રર૧ કરોડની રકમ ડાયરેકટ બેનીફિશીયરી ટ્રાન્સફર- ડી.બી.ટી.થી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવી છે. તેઓએ ઉમેર્યુ કે, રાજ્યના ૮ લાખ અંત્યોદય અને પ૮ લાખ PHH રેશનકાર્ડ ધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત અનાજ મેળવે છે તેમને એપ્રિલ માસનું અનાજ વિનામુલ્યે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ૧ એપ્રિલથી વિતરીત કરવાનું શરૂ થયું છે. ત્યારે એક દિવસમાં જ આવા ૨૦ લાખથી વધુ કાર્ડધારકોએ અનાજ વિતરણનો લાભ મેળવી શકશે અશ્વિનીકુમારે કહ્યું કે, હવે આગામી ૪ થી એપ્રિલથી અન્નબ્રહ્મ યોજના અન્વયે અનાજ એવા લાભાર્થીઓને આપવામાં આવશે જે અત્યંત ગરીબ, નિરાધાર અને કુટુંબ વિહોણા છે તેમજ અન્ય પ્રદેશ પ્રાંતમાંથી ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા છે અને રેશનકાર્ડ ધરાવતા નથી તેમને વિતરણ કરવાનું શરૂ થવાનું છે. અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ મેળવતા ૬૬ લાખ પરિવારોના અંદાજે ૩.રપ કરોડ એટલે કે રાજ્યના અંદાજે કુલ પ૦ ટકા લોકોને અનાજ મળે છે.

આમ છતાં એવા કોઇ છૂટાછવાયા લાભાર્થીઓ બાકી રહી ગયા હોય અને સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક કરશે તો તેમને પણ અન્નબ્રહ્મ યોજનાનો લાભ પ્રવર્તમાન પરિસ્થિતીમાં અપાશે તો આવા લાભાર્થીઓની યાદી જિલ્લા કલેકટરતંત્રએ પુરવઠા તંત્ર સાથે સંકલનમાં રહીને તૈયાર કરશે અને કલેકટર તંત્ર દ્વારા આવા લોકોને જરૂરી અનાજ પુરવઠો પુરો પાડવામાં આવશે.. તેમણે રાજ્યમાં લોકડાઉનના નવમા દિવસે દૂધ, શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની વિગતો પણ આપી હતી જે અંગે અશ્વિનીકુમારે જણાવ્યું કે, રાજ્યભરમાં ગુરૂવારે ૪૭.૪ર લાખ લિટર દુધનું વિતરણ થયું છે. ૮ર૯પ૭ કવીન્ટલ શાકભાજીની આવક થઇ છે તેમાં બટાટા ૧૯૬૧૪ કવીન્ટલ, ડુંગળી રર૮૪૬ કવીન્ટલ, ટામેટા ૭ર૭૦ કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી ૩૩રર૪ કવીન્ટલ છે. ફળફળાદિની ૧૩૬૦ર કવીન્ટલની આવકમાં સફરજન ૪૭પ કવીન્ટલ, કેળાં ૬૪૭ કવીન્ટલ અને અન્ય ફળો ૧ર૪૮૦ કવીન્ટલ જેટલા છે.તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન નાગરિકો-પ્રજાજનોને જીવન આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમીત મળે તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તો અશ્વિની કુમારના આ નિવેદન દરમિયાન અન્ન-નાગરિક પુરવઠાના સચિવ મોહમ્મદ શાહિદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.