///

Farmers Protest: હરિયાણાના નાયબ મુખ્યપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું…

નવા 3 કૃષિ કાયદા અંગે કેન્દ્ર સરકાર અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે ચાલી રહેલા ગતિરોધ પર હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા દુષ્યંત ચૌટાલાએ ગઇકાલે શનિવારે કહ્યું હતું કે તેમને આશા છે કે આગામી 24થી 40 કલાકમાં કેન્દ્ર અને ખેડૂત સંગઠનો વચ્ચે આગામી રાઉન્ડની વાતચીત થશે. દુષ્યંત ચૌટાલાએ આ વાત કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત બાદ કરી હતી.

કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કર્યા બાદ ચૌટાલાએ કહ્યું કે જ્યાં સુધી તેઓ રાજ્યમાં સરકારનો હિસ્સો છે ત્યાં સુધી ખેડૂતના પાકની ખરીદી સરકાર તરફથી MSP પર સુનિશ્ચિત કરવામાં આવશે. ચૌટાલાએ આ અગાઉ રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, ખાદ્ય-રેલવે-વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ સાથે પણ મુલાકાત કરી હતી.

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હરિયાણા સરકાર હાલ સ્થિર છે અને તેમની પાર્ટીનો MSP પર સ્ટેન્ડ યથાવત છે. મહત્વનું છે કે ચૌટાલા પર વિપક્ષી પાર્ટીઓ અને હરિયાણાના કેટલાક ખેડૂતનો ભાજપના નેતૃત્વવાળી હરિયાણા સરકારમાંથી રાજીનામું આપી દેવાનું દબાણ છે. તેમણે પહેલા જ કહ્યું હતું કે જો MSP વ્યવસ્થાને જોખમ ઊભું થયું તો તેઓ રાજીનામું આપી દેશે. એમ પૂછવામાં આવ્યું કે શું હરિયાણાની ગઠબંધન સરકાર સ્થિર છે તો ચૌટાલાએ કહ્યું કે હા…જ્યાં સુધી અમે MSP સુનિશ્ચિત કરીએ છીએ ત્યાં સુધી અમે સ્થિર રહીશું.

જનનાયક જનતા પાર્ટી નેતાએ કહ્યું કે મને આશા છે કે આગામી 24થી 40 કલાકમાં નવા રાઉન્ડની વાતચીત થશે અને કેટલાક નિર્ણાયક નિવેદનો સામે આવશે. ચૌટાલાએ કહ્યું કે તેમને સવારે રાજનાથ સિંહ અને પિયુષ ગોયલ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે આપણે બેસીને મુદ્દાનો ઉકેલ લાવવાની જરૂર છે. જે પ્રકારે કેન્દ્ર સરકાર પ્રદર્શનકારી ખેડૂતો સાથે વાત કરી રહી છે અને ખેડૂત સંગઠનોની માંગણી પર 24 પાનાનો જવાબ આપ્યો છે તે જોતા હું આશાન્વિત છું કે આપસી સહમતીથી આ મુદ્દાનો ઉકેલ આવી શકશે.

ચૌટાલાએ કહ્યું કે સંવાદથી જ સમાધાન નીકળશે. આશા પર દુનિયા કાયમ છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે આગામી રાઉન્ડની વાતચીત જલદી થશે અને બંને તરફથી કેટલાક સકારાત્મક પરિણામ આવશે. એમ પૂછવામાં આવ્યું કે શું સરકાર MSP અંગે લેખિતમાં આશ્વાસનને કાયદેસર માન્યતા આપશે તો ડેપ્યુટી સીએમએ કહ્યું કે જે પણ તેઓ માગણી કરે છે.

હરિયાણામાં રાજ્ય સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની વિપક્ષી પાર્ટીઓની ધમકી પર ચૌટાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના નિવેદનો આપી રહી છે. પંજાબ અને હરિયાણાના ખેડૂત સંગઠનોને આશંકા છે કે નવા કૃષિ કાયદાથી MSP વ્યવસ્થા ખતમ થઈ જશે. આ વ્યવસ્થા હેઠળ સરકારી એજન્સીઓ એક નિશ્ચિત કિંમત પર ખેડૂતોના પાકની ખરીદી કરે છે. કેન્દ્રએ બુધવારે ખેડૂતોને આપેલા નવા પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે MSP વ્યવસ્થા યથાવત રહેવા અંગે લેખિતમાં આશ્વાસ આપવા અને તેમની માગણીઓ પર સમાધાન માટે તૈયાર છે. જો કે ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે પાછા ખેંચવાની માગણી કરી રહ્યા છે અને તેમણે આંદોલન ઉગ્ર કરવાની પણ ધમકી આપી છે.

Leave a Reply

Your email address will not be published.