////

રાજધાની દિલ્હીમાં કોરોનાથી એક જ દિવસમાં 131 દર્દીના થયા મોત

દેશની રાજધાનીમાં દિલ્હીમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે, એવામાં દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના કારણે રેકોર્ડ બ્રેક મોત નોંધાયા છે. જેમાં કોરોના વાઈરસથી 24 કલાકમાં 131 લોકોનું મોત થયું છે. જ્યારે આ 24 કલાકની અંદર 7486 નવા કેસ સામે આવ્યાં છે.

દિલ્હીમાં નવા કેસ ઉમેરાવાની સાથે જ કોરોના સંક્રમિતોનો આંકડો 5 લાખને પાર પહોંચી ચૂક્યો છે. દિલ્હીમાં કોરોના રિકવરી રેટ 89.98 ટકા છે. જ્યારે એક્ટિવ કેસ 8.43 ટકા અને મૃત્યુદર 1.58 ટકા છે. આ સિવાય પોઝિટિવિટી રેટ 12.03 ટકા પર પહોંચ્યો છે.

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 24 કલાકમાં 7486 નવા કેસ આવવાની સાથે જ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 5,03,084 પર પહોંચી ચૂકી છે. જ્યારે વધુ 131 લોકોના મોત સાથે અહીં અત્યાર સુધીમાં 7943 દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. તો 24 કલાકમાં 6901 દર્દીઓ કોરોનાને માત આપી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં અહીં 4,52,683 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

દિલ્હીમાં કોરોનાના 42,458 એક્ટિવ કેસો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 62,232 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે જ દિલ્હીમાં અત્યાર સુધી 55,90,654 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિને લઈને મુખ્યપ્રધાન કેજરીવાલે આજે સર્વદલીય બેઠક બોલાવી છે. જેમાં કોંગ્રેસ અને ભાજપને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક ગુરુવારે સવારે 11 કલાકે દિલ્હી સચિવાલયમાં હશે. આ બેઠકમાં દિલ્હીમાં ત્રીજી કોરોના લહેરને પગલે વધતા કોરોનાના કેસો તેમજ વ્યવસ્થાની સમીક્ષાને લઈને ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.