///

અમદાવાદમાં કરફ્યૂ ભંગના બપોર સુધીમાં 117 ગુના નોંધાયા, 130 લોકોની અટકાયત

અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપુર્ણ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે શહેરમાં કર્ફ્યૂની પ્રથમ સવારે રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા. હંમેશા ધબકતું અમદાવાદ કર્ફ્યૂના કારણે અચાનક શાંત થઈ ગયું છે. તો મંદિરોમાં પણ તાળા લાગી ગયા છે. શહેરના રસ્તાઓ પર જરૂરી સેવાના કર્મચારીઓ સિવાય કોઈ જોવા મળી રહ્યું નથી.
પોલીસ પણ બિનજરૂરી બહાર નિકળી રહેલા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે.

શહેરના એસજી હાઇવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, સરખેજ રિંગરોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ સ્થળો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે કરફ્યૂ દરમિયાન જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા 117 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ 130 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચ,એસઓજી અને ટ્રાફીક શાખા પોલીસ અને તમામ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કોઇ સામે મળી આવે તો તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બહારથી આવતી ગાડીઓનાં ચેકિંગ કરીને યોગ્ય કારણ હોય તો જ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.