અમદાવાદ શહેરમાં 60 વર્ષના એક દર્દીએ 113 દિવસની લડાઈ બાદ કોરોનાને માત આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં દેવેન્દ્રભાઈ પરમાર નામના કોરોના સંક્રમિત વ્યક્તિ આજથી 113 દિવસ પહેલા એડમિટ થયા હતા. જેમને આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં સમયે વૃદ્ધે હોસ્પિટલના સ્ટાફ તેમજ તબીબોનો આભાર માન્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, મારો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હું સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે એડમિટ થયો હતો. આ 113 દિવસ દરમિયાન ડૉક્ટરોની અથાગ મહેનત અને હોસ્પિટલ સ્ટાફ તેમજ પરિવારના સહકારથી જ હુ કોરોનાને હરાવી શક્યો છું.
મહત્વનું છે કે, દેવેન્દ્રભાઈ પરમાર 113 દિવસથી સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેમાં 90 દિવસ તો તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ સાથે જ દેવેન્દ્રભાઈ પરમાર સમગ્ર રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી કોરોનાની સારવાર લેનારા દર્દી બની ગયા છે. અગાઉ ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરત સોલંકીએ 101 દિવસની સારવારને અંતે કોરોનાને હરાવ્યો હતો. જેમાં તેઓ 51 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યાં હતા.