////

અમદાવાદમાં દેહવ્યાપાર કરતી મહિલાની અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી હત્યા કરી

નારોલ વિસ્તારમાં દેહવ્યાપાર કરતી એક મહિલા પર બે અજાણ્યા શખ્સો છરી વડે ઘા મારીને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને તેના મિત્ર સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેની સારવાર કરાઇ હતી. બીજા દિવસે દુખાવો થતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યાં વધારે સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખાતે લઇ જતા ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી દીધી હતી.

આ સમગ્ર મામલો દબાવવા માટે વટવા પોલીસ સ્ટેશનમાં મચ્છી સમારવા દરમિયાન છરો વાગી ગયો હોવાનું કહેવાયું હતું. જો કે ડોક્ટરે છરીના ઘા મરાયા હોવાનું કહેતા ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મુળ કલકત્તાની રહેવાસી અને વટવામાં રહેતી મહિલા તેના મિત્ર સાથે લિવ ઇનમાં રહેતી હતી. નારોલ સર્કલ ખાતે દેહ વ્યાપારનું પણ કામ કરતી હતી. 17 જુલાઇના રોજ 8 વાગ્યાની આસપાસ નારોલ સર્કલ નજીક ઉભી હતી, ત્યારે જ બાઇક પર બે અજાણ્યા શખ્સો તેને છરી મારીને ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે તેના મિત્રને જાણ કરતા મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી. જ્યાં પાટાપિંડી કરીને તેને રજા આપી દેવાઇ હતી. જો કે બીજા દિવસે દુખાવો થતા અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી. વટવા પોલીસ સ્ટેશનમાં માછલી કાપતા છરી વાગી હોવાનું લખાવીને મામલો દબાવવાનો પ્રયાસો કરાયા હતા.

ખાનગી હોસ્પિટલે વધારે સારવાર માટે મહિલાને એલજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી હતી. જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. જો કે એલજી હોસ્પિટલનાં ડોક્ટર્સે પોલીસને માહિતી આપી હતી કે, આ છરીના ઘા મરાયેલા છે. મચ્છી કાપવા દરમિયાન વાગેલા ઘા નથી. જેના કારણે ઇસનપુર પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.