////

અમદાવાદમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી 5 દિવસમાં 97.73 લાખનો દંડ વસુલાયો

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે, જેને નોંધ ગુજરાત હાઈકોર્ટે પણ લીધી હતી. જેને પગલે હાઈકોર્ટે માસ્ક પહેર્યા વિના ફરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જ્યાં સુધી વેક્સિન ના શોધાય, ત્યાં સુધી માસ્ક જ કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય હોવા છતાં અમદાવાદી બેદરકારી દાખવી રહ્યાં છે. જેના પરિણામે સંક્રમણ ફેલાવાનું જોખમ વધી રહ્યું છે.

શહેરમાં અમદાવાદ પોલીસે છેલ્લા 5 દિવસમાં 9773 જેટલા લોકોને માસ્ક પહેર્યા વિનાના પકડ્યા હતા. આ તમામ પાસેથી 97.73 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકો માસ્ક પહેરવાને ગંભીરતાથી નથી લઈ રહ્યાં. માસ્ક વિના ફરતા લોકોને ઝડપી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક આદેશ છે.

કોરોનાના વધતા સંક્રમણને પગલે તમામ પોલીસ અધિકારીઓને માસ્ક પહેરવા, સેનેટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિત કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને શાક માર્કેટમાં પોલીસ પોઈન્ટ ઉભા કરવાનો આદેશ આપ્યો હતો.

તો બીજી બાજુ અમદાવાદમાં જ જાહેરનામા ભંગ કરવા બદલના 300થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે રાત્રિ કરફ્યુના સમયમાં ફરી રહેલા 4.92 લાખ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, કોરોના સામેની જંગમાં અમદાવાદીઓ કેટલી બેદરકારી દાખવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.