///

અમદાવાદમાં દિનેશ શર્માના સમર્થકોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માના સમર્થકોએ આજે શહેરમાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. તો AMCના વિપક્ષી પદના નેતા તરીકે કમળાબેન ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે. તેમની નિમણૂંકથી કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. સાથે વિપક્ષી નેતાના પદે કમળાબેનની નિમણૂંક થતા આજે શહેરમાં દિનેશ શર્માના સમર્થકો ઠેર-ઠેર દેખાવો કરી રહ્યાં છે. જેમાં બાપુનગર, સરસપુર અને અસારવા સહિતના પૂર્વ વિસ્તારોમાં દિનેશ શર્માના સમર્થકોએ દેખાવો શરૂ કર્યા છે.

AMCના વિપક્ષના નેતા પદે બહેરામપુરાના કોર્પોરેટરની કમળાબેન ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ કમળાબેનની નિમણૂંકથી કોંગ્રસમાં આંતરિક વિવાદ સર્જાયો છે. જો કે આ મામલે પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ નિવેદન આપતા જણાવ્યું કે, હું કાર્યકરોનો અવાજ બનીને રજૂઆત કરીશ. સમય આવશે ત્યારે હું ખુલીને બહાર આવીશ. પાર્ટીનો નાનો કાર્યકર આજે મજબૂર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના જૂથબંધીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માને કાર્યકાળ પૂર્ણ થતા પહેલા રાજીનામું આપવું પડ્યું હતું. જોકે તેઓએ અંગત કારણસર રાજીનામું આપી રહ્યાં છે તેમ તેમને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.