///

અમરેલીમાં પોલીસે સમૂહ લગ્ન અટકાવ્યા, 17 જાન લીલા તોરણે પરત ફરી

અમરેલીમાં આવેલા ચાંદગઢ ગામમાં એકસાથે 17 જાન લીલા તોરણે પાછી વળી ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે યુગલો સહિત બંનેના પરિવારજનો માટે આ સમય દુખદાયક બની ગયો હતો. જોકે આ સમૂહ લગ્ન મંજૂરી વગર યોજવામાં આવતા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ત્યારે જાનૈયાઓને લગ્નનો સામાન લઈને પરત ફરવુ પડ્યું હતું. તો હાથમાં મહેંદી લગાવેલી કન્યા અને સાફા બાંઘેલા વર વીલા મોઢે પરત ફર્યા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમરેલીમાં આવેલા ચાંદગઢ ગામમાં સમૂહ લગ્ન યોજાયા હતા. આ સમૂહ લગ્નમાં 17 યુગલોના લગ્ન થવાના હતા. ત્યારે લગ્નને લઈને તમામ આયોજન થઈ ગયું હતું. પરંતુ આ સમયે પોલીસ ત્યાં પહોંચી હતી. આયોજકોએ પોલીસ મંજૂરી વગર જ આ લગ્નનું આયોજન કર્યું હતું. પૂર્વ મંજૂરી ન હોવાથી પોલીસે લગ્ન સ્થળે પહોંચીને સમૂહ લગ્ન અટકાવ્યા હતા. સમૂહ લગ્નના આયોજક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ત્યારબાદ લગ્નની તમામ તૈયારીઓ થઈ જતા આયોજકો પણ મૂંઝવણમાં મુકાયા હતા. તો 17 યુગલોના પરિવારજનો પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. વ્હાલા દીકરા-દીકરીના લગ્ન માટે પરિવારજનો તૈયાર થઈને આવ્યા હતા. તો પરણવા આવેલા યુગલો પણ વિલાયેલા મોઢે પરત ફર્યા હતા. તો બીજી બાજુ સજીધજીને આવેલી કન્યાઓ આ સમાચાર સાંભળીને નિરાશ થઈ ગઈ હતી. જાનૈયાઓ સામાન લઈને પરત ફર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.