///

બનાસકાંઠામાં ડિપ્થેરીયા રોગથી 7 બાળકોના મોત નિપજ્યા, 34 કેસ નોંધાયા

દુનિયામાં એક બાજુ કોરોનાનો કહેર છે, તો બીજી બાજુ રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયા રોગ સામે આવ્યો છે. છેલ્લા એક માસમાં ડિપ્થેરીયાથી સાત બાળકોના મોત અને 34 જેટલા કેસ સામે આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળી છે.

રાજ્યમાં કોરોના વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયાએ માથું ઊંચકાવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે ડિપ્થેરીયાના 381 કેસ સામે આવ્યા હતા જેમાં 17 બાળકોના મોત થયા હતાં. ત્યારે ચાલુ વર્ષેમાં છેલ્લા એક માસની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયાના 34 કેસ સામે આવ્યા છે. તેમજ સાત બાળકોના મોત નિપજ્યાં છે. બનાસકાંઠામાં ડિપ્થેરીયાથી ધાનેરા તાલુકામાં 10 કેસ તેમજ 1નું મોત, થરાદમાં 12 કેસ તેમજ 3ના મોત, વાવમાં 3 કેસ અને 1નું મોત, પાલનપુરના 2 કેસ તથા 1નું મોત અને ડીસા તાલુકામાં 4 કેસ તેમજ 1 બાળકનું મોત તેમજ લાખણીમાં 3 કેસ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જીલ્લામાં ડિપ્થેરીયાથી સાત બાળકોના મોત નિપજ્યા છે. 34 કેસ સામે આવતા બનાસકાંઠા જીલ્લામાં ફફડાટ મચી ગયો છે.

આ અંગે બનાસકાંઠાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જીજ્ઞેશ હરિયાણીએ કહ્યું કે, ડિપ્થેરીયા ગંભીર બીમારી છે અને ગત વર્ષે પણ બનાસકાંઠા જીલ્લામાં ડિપ્થેરીયાએ ભારે આતંક મચાવ્યો હતો. મોટી સંખ્યામાં બાળકોના મોત નિપજ્યાં હતા. ત્યારે આ વર્ષે કોરોના વાઇરસ વચ્ચે ડિપ્થેરીયાનો આતંક ફેલાય તે પહેલા તકેદારી રાખવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.