///

ભરૂચમાં CM રૂપાણીએ 385 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાનું કર્યું ખાતમુર્હુત

દક્ષિણ ગુજરાતના ભરૂચમાં CM વિજય રૂપાણીએ રૂ. 385 કરોડની વિવિધ પાણી પૂરવઠા યોજનાનું ખાતમુહુર્ત કર્યું છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, કોરોના કાળમાં પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે. ભરૂચ જિલ્લાની આ યોજનાઓ પૂર્ણ થતા 198 ગામો, 4 શહેરોને શુદ્ધ જળ મળતુ થશે.

રાજ્યમાં વિજય રૂપાણીએ પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાનો નિર્ધાર પુનઃ વ્યક્ત કરતા ઉમેર્યું કે, પાણીના નવા સ્ત્રોત, સુજલામ સુફલામ યોજના, નર્મદા-ઉકાઈ-કડાણા જળાશયો આધારિત યોજનાઓથી છેક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યા છે. ભરૂચના વાલિયા ખાતે અંદાજીત રૂ. 385 કરોડના ખર્ચે આકાર પામનારી વધુ ચાર પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરી આ યોજનાઓ પૂર્ણ થતા, ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટીના વાલિયા, ઝગડિયા, અને નેત્રંગ તાલુકાઓ આગામી દિવસોમાં નંદનવન બનશે તેમ જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં CM રૂપાણીએ જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી આદિવાસી પ્રદેશના સર્વતોમુખી વિકાસની નેમ વ્યક્ત કરી હતી. આગામી તા.15મી ડિસેમ્બરે દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના હસ્તે પણ રાજ્યમા વિકાસના નવા આયામો સર કરાશે તેમ જણાવી CM રૂપાણીએ સુજલામ સુફલામ યોજનાનો પણ ખ્યાલ આપ્યો હતો. રાજ્યને પાણીદાર બનાવવા માટે વિકાસની પ્રાથમિક શરત માત્ર પાણી જ છે તેમ જણાવ્યુ હતું.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાના કુલ 3.61 લાખ ગ્રામીણ ઘરો પૈકી 3.25 લાખ ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામા આવી છે. જિલ્લાના પ્રજાજનોને પીવા માટેના પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે, વિશાળ માળખાકીય સુવિધાઓનુ નિર્માણ કરવામા આવ્યુ છે. જેમાં 11 જેટલી જૂથ યોજનાઓ અંતર્ગત 357 કિલોમીટર લાંબી બલ્ક પાઈપ લાઈન, 692 કિલોમીટર લાંબી વિતરણ પાઈપ લાઈન, 174 એમ.એલ.ડી. ક્ષમતાના કુલ 11 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, 37.51 એમ.એલ.ડી. ક્ષમતાના કુલ 18 ભૂગર્ભ ટાંકાઓ, અને 7.84 એમ.એલ.ડી. ક્ષમતાની કુલ 18 ઊંચી ટાંકીઓનો સમાવેશ થાય છે.

આજે પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહુર્ત ઉપરાંત CM રૂપાણીના હસ્તે ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા નાઈટ શેલ્ટર હોમનું પણ વાલિયા ખાતેથી ઈ લોકાર્પણ કરાયુ હતુ. આ પ્રસંગે પાણી પુરવઠા, પશુપાલન પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાએ રાજ્યમાં CM રૂપાણીના કાર્યદક્ષ નેતૃત્વમાં રાજ્યના છેવાડાના ગામો સુધી પૂરતી માત્રામાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ બને તેવી યોજનાઓ સાકાર થઇ રહી છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.