////

હવે દેશની રાજધાનીમાં માસ્ક નહીં પહેરનારા પાસેથી રૂ. 2000નો દંડ વસૂલાશે

દેશની રાજધાની દિલ્હીમાં વધતા કોરોના સંક્રમણે લઈને એક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી માસ્ક નહીં પહેરવા બદલ 2000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. કોરોના કહેરના પગલે કેજરીવાલ સરકાર એક પછી એક કપરા નિર્ણયો લઇ રહી છે. અગાઉ માસ્ક નહીં પહેરવા બદલ રુ.500નો દંડ થતો હતો. જે હવે વધીને 2000 રૂપિયાનો કરાયો છે.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, લેફ. ગવર્નર અનિલ બેજલ સાથે મળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં દિવાળીના તહેવારો દરમિયાન કોરોના મહામારીએ ગંભીર રુપ લઇ લીધું છે. અચાનક સંક્રમણના કેસોમાં વધારો થવા લાગ્યો છે. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં મોતનો નવો રેકોર્ડ બની ગયો. બુધવારે એક જ દિવસમાં 131 લોકોથી વધુનાં મોત થઇ ગયા છે. દિલ્હીમાં એક દિવસમાં 7486 નવા કેસો નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 5 લાખને પાર થઇ ગઇ છે.

ગુરુવારે મુખ્યપ્રધાન કેજરીવાલે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. જેમાં તેમણે પોતાની સરકાર દ્વારા લેવાયેલા કડક પગલાંની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજધાનીમાં હવે માસ્ક નહીં પહેરનારા પાસેથી રૂ. 2000નો દંડ વસુલવામાં આવશે.

વધુમાં કેજરીવાલે જણાવ્યું કે, અત્યાર સુધી માસ્ક નહીં પહેરવા માટે 500 રૂપિયાનો દંડ થતો હતો. તેમ છતાં લોકો માસ્ક પહેરી રહ્યા નહીં હોવાથી દંડની રકમ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે, લોકો ધામધૂથી છઠનો તહેવાર મનાવે પરંતુ જાહેર સ્થળો પર નહીં. તેમણે કહ્યું કે, ઘણી રાજ્ય સરકારોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

નોંધનીય છે કે, રાજધાની દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં 12 નવેમ્બર એટલે ગત ગુરુવારથી 18 નવેમ્બર સુધી 43,109 નવા કેસો વધ્યા. જ્યારે આ સમય દરમિયાન 715 લોકોના કોરોનાના કારણે મોત થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.