////

કોરોનાનો કહેર: અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો આંકડો 3700 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે, એવામાં અમદાવાદ શહેરમાં કોરોનાનો આંકડો વધી રહ્યો છે. ત્યારકે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા 24 કલાકના હેલ્થ બુલેટિન પ્રમાણે અમદાવાદ ગ્રામ્યમાં નવા 17 કેસ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો વધીને 3700 પર પહોંચ્યો છે, જેમાંથી સૌથી વધુ 815 સાણંદમાં નોંધાયા છે. આ આંકડામાં અમદાવાદ શહેરના કેસને સામેલ કરવામાં આવ્યા નથી.

અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ અને ધોળકા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 815 અને 780 નોંધાયો છે, જે કુલ કેસના લગભગ 43 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 501, બાવળામાં 462 કેસ નોંધાયા છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા 354, વિરમગામ 490 બાવળા -462 અને માંડલ તાલુકામાં 116 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 60 દર્દીઓના મોત નીપજ્યાં છે.

તો બીજી બાજુ અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે, જેમાં 1.95 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જેમાં શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. 17 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી ઓછા કોરોનાના કેસ ધોલેરા તાલુકામાં માત્ર 40 કેસ નોંધાયા છે.

કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ જિલ્લામાં તંત્ર દ્વારા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે, જેમાંથી અત્યારે 2372 લોકો હોમ-ક્વોરન્ટાઈન છે. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તંત્ર દ્વારા ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.