///

અંતે મુંબઇ આતંકી હુમલાનો સ્વીકાર, પ્લાનિંગ અને ફંડિંગ પાકિસ્તાનથી જ કરાયુ હતુ

26/11 મુંબઇ હુમલો પાકિસ્તાને જ કર્યો હોય તે વાત તેને માની લીધી છે. પાકિસ્તાન સરકાર દ્વારા જાહેર કરાયેલી એક યાદીમાં એક ડઝનથી વધુ એવા આતંકીઓના નામ છે જેમનો સીધો સબંધ મુંબઇ હુમલા સાથે છે.

આ યાદીને પાકિસ્તાનની ફેડરલ એજન્સીએ જાહેર કરી છે જેમાં 19 આતંકવાદીઓના નામ આપવામાં આવ્યા છે જે પાકિસ્તાનમાં છે.

આ યાદીમાં લશ્કર-એ-તોયબાના કેટલાક આતંકવાદીઓ જેવા કે મોહમ્મદ ઉસ્માન, મોહમ્મદ અમજદ ખાન, અબ્દુલ રહેમાન સહિત અન્ય કેટલાક આતંકીઓના નામ સાર્વજનિક કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની ફેડરલ એજન્સી દ્વારા આ વાતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે કે મુંબઇ હુમલાનું પ્લાનિંગ અને ફંડિગ પાકિસ્તાનથી કરવામાં આવ્યુ હતું.

મહત્વપૂર્ણ છે કે મુંબઇ હુમલામાં જે આતંકવાદીઓએ આતંકીઓ માટે લાઇફ જેકેટ, મોટરબોટ અને અન્ય સામાનની વ્યવસ્થા કરી હતી, તેમના નામને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

26 નવેમ્બર 2008માં કરાંચીથી મુંબઇ દરિયાના રસ્તે કેટલાક પાકિસ્તાની આતંકી આવ્યા હતાં. તે દરમિયાન આતંકીઓએ તાજ હોટલ, મુંબઇ રેલ્વે સ્ટેશન વગેરે જગ્યાઓ પર એકે 47થી ફાયરિંગ કર્યુ હતું. આ હુમલામાં 160થી વધુ લોકોના મોત થયા હતાં. જેમાં વિદેશી નાગરિક પણ સામેલ હતાં. ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર વારંવાર પાકિસ્તાનને તેની માટે દોષી ગણવામાં આવ્યો હતો. પરંતુ પાકિસ્તાન પોતાની આદતથી લાચાર આ વાતને વારંવાર નકારતુ રહ્યુ હતું. હવે જે આતંકીઓની યાદી પાકિસ્તાનમાં જાહેર કરવામાં આવી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે મુંબઇ હુમલાનું કનેક્શન પુરી રીતે પાકિસ્તાનમાં જ હતું.

Leave a Reply

Your email address will not be published.