////

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1026 કેસ નોંધાયા, 7 નાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં હવે ધીરે ધીરે કાબુ આવી રહ્યો છે. તહેવાર બાદ જે એક સમયે કેસમાં ઉછાળો આવ્યો હતો અને દરરોજ 1400 ઉપર કેસ જઇ રહ્યાં હતાં. તે આજે હવે ધીરે ધીરે થાળે પડવા લાગી રહ્યાં છે અને 1000ની આસપાસ આવી ગયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1026 કોરોનાના દર્દી નોંધાયા હતાં. આ ઉપરાંત રાજ્યમાં 1252 નવા દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,17,935 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે.

રાજ્યમાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર 93.02 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 54,365 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 836.38 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 89,99,087 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,127 કેસ એક્ટિવ છે. 63 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 12,064 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 2,17,935 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોના મહામારીના પગલે કુલ 4227 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 04, સુરત કોર્પોરેશન 02 અને બોટાદના 1 દર્દી સહિત કુલ 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.