////

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6224 કેસ નોંધાયા, 109 લોકોના મોત

દેશમાં કોરોનાનો હાહાકાર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 6224 નવા કેસ આવ્યા છે અને 109 લોકોના મોત નિપજ્યા છે. દિલ્હીમાં સતત 5મા દિવસે પણ કોરોનાનો મૃત્યુઆંક 100થી વધુ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં દર કલાકે 5 દર્દીના કોરોનાથી મોત થઈ રહ્યા છે. દિલ્હીમાં હાલમાં કોરોનાના 5,40,541 કેસ આવી ચૂક્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 4943 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,93,419 દર્દીઓ સારવાર બાદ રિકવર થયા છે.

દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણે પગલે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, તહેવારની સિઝનમાં કોરોનાના નિયમોને અવગણવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. લગ્નમાં લોકો ફોટો પડાવવા માસ્ક લગાવવાનું ભૂલ્યા અને આ સ્થિતિ થઈ છે. કોરોનાથી બચવા નક્કી ગાઈડલાઈનનું પાલન જરૂરી છે.

તો આ અંગે દિલ્હી સરકારનું કહેવું છે કે, પરાલી સળગાવવાના કારણે થનારા પ્રદૂષણથી વધારે મોત થઈ રહ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, પરાલી સળગાવવાથી જે પ્રદૂષણ થઈ રહ્યું છે તેનાથી કોરોના પીડિત કેસ વધારે મુશ્કેલ બની રહ્યા છે અને સાથે જ ડેથ રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી પ્રદૂષણ ઘટ્યું છે અને સાથે તેનો પ્રભાવ પણ જોવા મળશે અને મોતનો આંક પણ ઘટશે.

Leave a Reply

Your email address will not be published.