///

છેલ્લા 5 વર્ષમાં અદાણી એગ્રીની 21 કંપનીઓ અસ્તિત્વમાં આવી

કૃષિ કાયદા વિરૂદ્ધ સતત 16માં દિવસે આંદોલન કરી રહેલા ખેડૂતોના નિશાના પર અદાણી જૂથ છે. જેમાં કેટલાક ખેડૂત સંગઠને આરોપ લગાવ્યો છે કે, અદાણી એવા ગોડાઉન તૈયાર કરી રહ્યું છે જ્યાં અનાજનો સંગ્રહ કરીને રાખી શકાય અને પછી તેને ઉંચી કિંમતે વેચી શકાય. જોકે, અદાણી જૂથ તરફથી આ પ્રકારના આરોપો પર સ્પષ્ટતા કરવામાં આવી છે. અદાણી જૂથે કહ્યું છે કે, તે ના તો ખેડૂતોના ખાદ્યને ખરીદે છે અને ના તો ખાદ્યની કિંમત નક્કી કરે છે.

અદાણી એગ્રી લોજિસ્ટિકના કૃષિ ક્ષેત્રમાં વધતા પગલાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની વેબસાઇટના આંકડા પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં 21 કંપનીઓ અસ્તિત્વમાં આવી છે અને મંત્રાલયે તેમના નામને મંજૂરી આપી છે. આ તમામ કંપનીઓ અદાણી એગ્રી લોજિસ્ટિક નેટવર્કની છે. વર્ષ 2014થી 2018 વચ્ચે અદાણી એગ્રી લોજિસ્ટિક લિમિટેડની આ તમામ કંપનીઓ રાજ્યમાં રજિસ્ટર્ડ થઇ છે. અદાણી એગ્રી લોજિસ્ટિક લિમિટેડની કંપનીઓ- ભટિંડા, બરનાલા, દેવાસ, હોશંગાબાદ, કન્નોજ, મનસા, મોગા, કટિહાર, દરભંગા, સમસ્તીપુર, સતના, ઉજ્જેન જેવા શહેરો માટે રજિસ્ટર્ડ કરવામાં આવી છે.

આ ઉપરાંત મે 2014ના અંતિમ અઠવાડિયામાં 5 કંપનીઓના નામ પર મોહર લગાવવામાં આવી છે. આ જ અઠવાડિયામા પ્રથમ વખત નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. બીજી તરફ કોંગ્રેસના કાર્યકાળમાં અદાણી એગ્રી લોજિસ્ટિકની બે કંપનીઓના રજિસ્ટ્રેશનને પણ મંજૂરી મળી છે.

મહત્વનું છે કે, અદાણી એગ્રી લોજિસ્ટિક્સ બલ્ક હેન્ડલિંગ, સ્ટોરેજ અને અનાજના વિતરણમાં અગ્રેસર છે. કંપનીએ ભારતના ફૂડ કોર્પોરેશન માટે 2007માં ભારતનો પ્રથમ આધુનિક અનાજ સંગ્રહ માળખુ શરૂ કર્યુ હતું. તે અનાજ સંગ્રહવા માટે મોગા અને કૈથલમાં માન્યતા પ્રાપ્ત અનાજ સાઇલોને લીધુ હતું. આ સિવાય કંપનીએ મુંબઇ, ચેન્નાઇ, બેંગલુરૂ, કોલકાતા અને કોઇમ્બતૂરમાં સાઇલોની સ્થાપના કરી હતી.

Leave a Reply

Your email address will not be published.